અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે જેની હાલ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમિટમાં અનેક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે. જો કે, સમિટ પહેલા સરકારે 14 હજાર કરોડના એમઓયુ કર્યાં હતા. જેથી ગામી દિવસોમાં 28 હજારથી વધારે રોજગારીની તકો ઉભી થશે.
વાઈબ્રન્ટ સમિટ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. તેમજ વિવિધ ઉદ્યોગકારો સાથે 12 MOU કરવામાં આવ્યા છે. રૂ. 14 હજાર કરોડના સૂચિત રોકાણથી ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 28,585 લોકોને નવી રોજગારી મળશે. ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ’ પર ગુજરાત સરકાર વિકાસના કાર્યોને આગળ ધકેલશે. MOU બાદ ઉદ્યોગકારોએ ઉદ્યોગો ઝડપથી શરૂ થશે તેની બાંહેધરી આપી છે.
બેઠકમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી, ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ઉદ્યોગ-ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા. કેમિકલ ફાર્મા API, પેસ્ટિસાઈડ્સ, ઈલેકટ્રિક વ્હીકલની બેટરી માટે કેમિકલ, પેઈન્ટ ફેકટરી એગ્રીકેમિકલ્સ અને દવા ઉદ્યોગની કંપનીઓએ MOU કર્યા છે. આ ઉદ્યોગો ગુજરાતમાં ભરૂચ, દહેજ, વાપી, અંકલેશ્વર, સાણંદ સહિતના સ્થળોએ મૂડીરોકાણ કરી ઉદ્યોગોની સ્થાપના કરશે.