નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈદ ઉલ ફિત્રના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન કરાચીમાં મોટી સંખ્યામાં ભીખારીઓની ભીટ ઉમટી પડી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર કરાચીની આસપાસના ગામોમાંથી રમઝાનના મહિનામાં મોટી સંખ્યામાં ભીખારીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે ગુનાખોરીમાં વધારો આવ્યો છે.
કરાચીના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઈમરામ યાકુબ મિન્હાસએ જણાવ્યું હતું કે, આ ચિંતાજનક વાત છે. કરાચીમાં 3 લાખથી ચાર લાખ જેટલા ભીખારીઓ ઉમટી પડ્યાં છે. આ તમામ ઈદના તહેવારને લઈને ભીક્ષાવૃત્તિ માટે શહેરમાં આવ્યાં છે. કરાચી ભીખારીઓ અને ગુનેગારો માટે એક પ્રાઈમ સ્પોટ બની ગયું છે. કરાચીમાં સિંધના આંતરિક વિસ્તારો, બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય વિસ્તારના આવા લોકોની સંખ્યા વધી છે. જેથી કરાચીમાં વધારેમાં વધારે સીસીટીવી કેમેરા લગાવવની માંગણી કરાઈ છે જેના કારણે ગુનેગારો ઉપર નજર રાખી શકાય.
કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રમઝાન દરમિયાન માર્ગો ઉપર થતા ગુનાઓમાં 19 નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યાં હતા. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં લૂંટની ઘટનામાં 55 વ્યક્તિઓના મૃત્યું થયાં છે. કરાચીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થતા સિંધ હાઈકોર્ટે વહીવટી તંત્રને આકરી ટકોર કરી હતી. હાઈકોર્ટે એક મહિનાની અંદર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા નિર્દેશ કર્યો હતો. આ આદેશ સિંઘ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અકીલ અહમદ અબ્લાસીએ કર્યો હતો. આ સાથે તેમણે 15 દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો હતો.