Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, પ્રિમોન્સુન એક્ટીવીટીનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ રાજસ્થાન ઉપર સર્જાયેલ લો પ્રેશરને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરાઈ હતી. દરમિયાન ચરોતર પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. સવારથી જ સમગ્ર આણંદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લાવાસીઓએ આકરી ગરમીમાંથી રાહત મેળવી હતી.

ચાલુ વર્ષે નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસથી પ્રિમોન્સુન એક્ટીવીટી સક્રિય થઈ હોય તેમ વૈશાખી વાયરાના કારણે ધૂળની ડમરીઓ ઉડતી નજરે પડે છે. કેરળના દરિયાકાંઠે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર તથા દક્ષિણ બંગાળની ખાડી સુધી ચોમાસાની અસર જોવા મળી રહી છે ગુજરાતમાં જૂન માસના પ્રથમ સપ્તાહની આસપાસ ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે. દરમિયાન રાજસ્થાન ઉપર સર્જાયેલ લો પ્રેશરને લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ હળવો વરસાદ વરસવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ હતી.