પાલનપુરઃ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે. બટાટાનો પાક તૈયાર થતાં ખેડુતો માલ વેચવા માટે માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. જાન્યુઆરી માસના અંત સુધીમાં ચિક્કાર આવક થવા લાગશે. ગુજરાતમાં ચાલુ વર્ષે બટાટાનું વાવેતર પાંચેક હજાર હેક્ટરમાં વધ્યું છે અને મોસમ પણ અનુકૂળ છે એટલે ગયા વર્ષ જેટલો કે તેનાથી વધારે પાક આવવાની ગણતરી છે.
સૂત્રોના જણાવ્યા4 મુજબ બનાસકાંઠામાં સૌથી વધુ ડીસા વિસ્તારમાં બટાટાનું ખેત ઉત્પાદ થાય છે.સારાં વરસાદને લીધે ખાલી જમીનો જ્યાં પણ મળી ત્યાં ખેડૂતોએ સારાં ભાવ જોઇને બટાટાના વાવેતર સમય કરતા વહેલા કરી દીધાં હતા એટલે નવી આવક વહેલી દેખાઇ છે. વાવેતર ગુજરાત સરકારના ચોપડે 1.29 લાખ હેક્ટર છે, જે પાછલા વર્ષમાં 1.24 લાખ હેક્ટર રહ્યું હતું. વાવેતર વધારે થયું છે એટલે હવે બટાટામાં તેજી આવવાની શક્યતા નહિવત્ બચી છે. ડિસાની માર્કેટમાં નવા બટાટાનો ભાવ રૂા. 10થી 15 અને જૂનાનો ભાવ રૂા. 15થી 20 વચ્ચે ચાલે છે. નવા બટાટા ઘરવપરાશમાં જાય છે. કોલ્ડના જૂના બટાટા સપ્તાહ સુધી ટકી શકતા હોવાથી હૉટેલો, ભાજીપાઉં, પાણીપુરી, સમોસા-કચોરી વગેરેમાં વપરાશ માટે મોકલવામાં આવે છે. નવા બટાટામાં હજુ ખેતરમાંથી નીકળ્યા જ હોવાથી મીઠાશ હોતી નથી, સ્વાદ ફિક્કો હોય છે એટલે જૂના હજુ ચલણમાં છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજમાં ચાલુ વર્ષે બટાટાનો પાંચ કરોડ કટ્ટા જેટલો સ્ટોક કરવામાં આવ્યો હતો. એમાંથી 3 કરોડ કટ્ટા બનાસકાંઠા જિલ્લામાં અને સાબરકાંઠા, દહેગામ તથા નડિયાદ બાજુના કોલ્ડ સ્ટોરેજમાં મળીને 2 કરોડ કટ્ટા જેટલો સ્ટોક થયો હતો. કોલ્ડ સ્ટોરેજોમાં હવે પંદર કે વીસ દિવસ સુધી ચાલે એટલો જ માલ પડ્યો છે એટલે ધીરે ધીરે જૂની આવક પૂરી થશે અને નવી આવક ઉપર બજાર ચાલવા માંડશે. ચાલુ વર્ષે ગુજરાતમાં બટાટાનું ઉત્પાદન 3.70થી 3.80 કરોડ કટ્ટા વચ્ચે થયું હતું. મોસમ વફાદાર રહે તો ચારેક કરોડ કટ્ટાનું ઉત્પાદન નવી સીઝન માટે થઇ જશે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં બટાટાના પાકની સ્થિતિ હાલ સારી છે. રોગ જીવાતનો ઉપદ્રવ નથી એટલે ઉતારા-ઉત્પાદન સંતોષકારક મળશે એમ જણાય છે.