સુરતઃ દક્ષિણ ગુજરાતમાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં થતો હોવાથી બારડોલી સહિત અનેક સ્થલોએ સુગર મિલો આવેલી છે. દિવાળી બાદ લાભ પાંચમથી મોટાભાગની સુગર મિલોમાં પીલાણનું કામકાજ શરૂ થઈ ગયું છે. બારડોલી, મહુવા, સાયણ, કામરેજ સહિતની મિલોમાં શેરડી પીલાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં સૌથી વધુ સુગર મિલો દક્ષિણ ગુજરાતમાં આવેલી છે. શેરડી અને ડાંગરનું સૌથી વધુ ઉત્પાદન પણ દક્ષિણ ગુજરાતમાં થાય છે. ત્યારે આ વર્ષે મોટાભાગની સુગર મિલોમાં લાભપાંચમથી તો અનેક જગ્યાએ શેરડી પિલાણનો પ્રારંભ થયો છે. દર વર્ષે સામાન્ય રીતે દશેરાથી પીલાણનો આરંભ થતો હોય છે, એ જોતા પીલાણ થોડુંક મોડું શરૂ થયું છે.
દક્ષિણ ગુજરાતની ટોચની સુગર મિલો જેમ કે બારડોલી, મહુવા, સાયણ, કામરેજ સહિતની મિલોમાં શેરડી પીલાણનો ધમધમાટ શરૂ થયો છે. સાયણ સુગરના ડાયરેક્ટર અને સહકારી આગેવાનના કહેવા મુજબ સાયણ સુગર દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં ફેલાયેલી છે. મોટી સંખ્યામાં ખેડૂતો સાયણ સુગરમાં શેરડી પીલાણ કરાવે છે. સાયણ સુગર ફેક્ટરીમાં વર્ષ 2022-2023ના માટે 17000 સભાસદોની શેરડી પીલાણના કાર્યના શ્રી ગણેશ પૂજા વિધિ સાથે વિધિવત પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સાયણની સાથે બારડોલી, કામરેજ, મહુવામાં પણ શેરડી પીલાણનું કામકાજ લાભપાંચમના શુભ દિવસથી શરૂ કરી દેવાયું છે. સામાન્ય રીતે દશેરાથી પીલાણનું કામકાજ શરૂ થતું હોય છે. પરંતુ આ વખતે દિવાળી બાદ પીલાણ કાર્ય શરૂ કરાયું હોવા છતાં સિઝન સમયસર પૂર્ણ થશે તેમ સુગર મીલોના આગેવાનોએ જણાવ્યું હતું.
સુગર મિલના સૂત્રોએ ઉમેર્યું હતું કે, દશેરા બાદથી રાજ્યમાંથી અને પાડોશી રાજ્યમાંથી શેરડીના કામના શ્રમિકો આવતા હોય છે. તો ઘણી જગ્યાએ દિવાળીના તહેવારની ઉજવણી બાદ શ્રમિકો આવતા હોય છે. આ વખતે વરસાદ લાંબો ચાલતા મોટાભાગે જમીન ભીની રહેતા કાપણી મોડી થઇ છે. આ કારણે દિવાળી બાદ મોટાભાગની મિલોમાં વિધીવત પીલાણનું કાર્ય શરૂ થયું છે.