અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના વેકેશન બાદથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. આજથી ધો-1થી 5ના વિદ્યાર્થીઓના પણ ઓફલાઈન વર્ગો પણ શરૂ થયાં હતા. આમ લગભગ દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. જ્યારે અનેક બાળકો પ્રથમવાર આજે સ્કૂલના પગથિયા ચડ્યાં હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસ ઘટતા સરકારે તબક્કાબાર ધો-6થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કર્યાં હતા. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનનો પણ વિકલ્પ આપવામાં આવ્યો હતો. જ્યારે ધો-1થી 5ના વર્ગો લાંબા અંતરાલ બાદ આજથી ઓફલાઈન શરૂ થયાં છે. આ અંગે ગઈકાલે જ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. જોકે ધોરણ 1 થી 5 માં ઓફલાઈન વર્ગમાં બાળકની હાજરી ફરજિયાત રહેશે નહિ. ધો-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગેના સરકારના નિર્ણય સામે કેટલાક વાલીઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.