નવી દિલ્હીઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સરકારી વિભાગોની તમામ ફાઇલો જોયા બાદ IMFની ટીમ ફેબ્રુઆરીમાં પરત ફરી હતી. ત્યારે તેમણે પરેશાન પાકિસ્તાનને લોન આપવા અંગે કોઈ નક્કર વચન આપ્યું ન હતું, પરંતુ કંઈક કરવાનો વિશ્વાસ ચોક્કસ વ્યક્ત કર્યો હતો. IMFએ આગળ પણ વાટાઘાટો ચાલુ રાખવાની અને સ્ટાફ લેવલના કરાર પર લોન આપવાની વાત કરી હતી. પરંતુ હવે તેમનું મન બદલાઈ રહ્યું છે, જેના કારણે પાકિસ્તાન પણ નારાજ થઈ ગયું છે. એટલું જ નહીં, પાકિસ્તાન સરકારના એક અધિકારીએ તો ગુસ્સામાં કહ્યું કે અમે IMFના સભ્ય દેશ છીએ, પરંતુ અમારી સાથે ભિખારી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાન IMFની શરતો પર સતત કામ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી લોનના હપ્તા આપવાના કોઈ સંકેત દેખાતા નથી. દરમિયાન, ‘ડોન’ના સમાચાર મુજબ, પાકિસ્તાન સરકારના અધિકારીઓ IMFના વલણથી નર્વસ છે. તેમને લાગે છે કે IMF ખોટું કરી રહ્યું છે અને લોન આપવા માટે નક્કી કરેલી 4 શરતોમાં પણ ફેરફાર કર્યો છે. આ કારણે પાકિસ્તાન સરકાર થોડી ચિંતિત છે. ઘણા અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે એમ પણ કહ્યું કે આ પાકિસ્તાન સાથે ગેરવર્તન કરવા સમાન છે. પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, પાકિસ્તાનના પીએમ શરીફે દુનિયાના વિવિધ દેશો પાસે હાથ લાંબો કરીને મદદ માંગી હતી. જો કે, કોઈ દેશ તેમને મદદ કરવા માંગતુ નથી. પાકિસ્તાનને હવે આઈએમએફ પાસેથી સહાયની આશા છે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નહીં હોવાથી મુશ્કેલીમાં વધારો થયો છે.