Site icon Revoi.in

જેએનયુમાં નવો વિવાદ : હિંદીને “કોમવાદી ભાષા” ગણાવવા માટે રિસર્ચ કરવા માટે કહેવામાં આવ્યું!

Social Share

વિવાદોને કારણે સતત ચર્ચામાં રહેલી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં નવો વિવાદ સામે આવ્યો છે. 35 વર્ષીય એક રિસર્ચ સ્કોલરે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. રિસર્ચ સ્કોલરનો આરોપ છે કે તેના ઉપર દબાણ બાવવામાં આવ્યું છે કે તે હિંદીને કોમવાદી ભાષા ગણાવતું રિસર્ચ કરે. આ મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સી. હરિશંકરે યુનિવર્સિટી અને સહ-પ્રાધ્યાપકને નોટિસ જાહેર કરીને 23 એપ્રિલ સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું છે.

જેએનયૂમાં ઈતિહાસમાં પીએચડી કરી રહેલા આશુતોષકુમાર રૉયે પોતાના વકીલ દિબ્યાંશુ પાંડે દ્વારા આરોપ લગાવ્યો છે કે તેમને બળજબરીથી તેમનો વિષય બદલીને હિંદીને કોમવાદી ગણાવતું રિસર્ચ કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું છે. રૉયે બંધારણ હેઠળ મૂળભૂત અધિકારોની દલીલ કરતા યુનિવર્સિટીના શિયાળુ સેમિસ્ટર-2019 માટે પીએચડી સુપરવાઈઝરની માગણી કરી છે.

દાખલ કરવામાં આવેલી અરજીમાં યુનિવર્સિટી દ્વારા રજિસ્ટ્રેશન માટે મનાઈ કરવા અને હિંદી પબ્લિક સ્ફિયર – 1870થી 1970 અને રાષ્ટ્રવાદ પર રિસર્ચ કરીને ચર્ચા દ્વારા હિંદીની છબી ખરાબ કરવાને લઈને તપાસની માગણી કરવામાં આવી છે.

અરજીમાં એક્ટિંગ સુપરવાઈઝર અને અન્ય લોકો પર આરોપ છે કે તેમણે રોય પર દબાણ બનાવીને તેઓ હિંદીની છબી ખરાબ કરવાને લઈને રિસર્ચ કરે તેની સાથે હિંદીના દિગ્ગજો વિરુદ્ધ પણ આવું જ કરે. એટલું જ નહીં રોયને આગળનું પીએચડી કરવાથી પણ રોકવામાં આવે છે. અરજદારે આને પોતાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન ગણાવતા કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

2012માં જેએનયૂ આવેલા રોયે જૂના રિસર્ચ સુપરવાઈઝરના રાજીનામા બાદ વિના વિલંબે નવા રિસર્ચ સુપરવાઈઝરની નિયુક્તિની માગણી કરી છે. તેમનું કહેવું છે કે યુનિવર્સિટી તરફથી નવા સુપરવાઈઝર નહીં મળવાને કારણે તેમના અભ્યાસમાં પણ અડચણ પેદા થઈ રહી છે. યુનિવર્સિટી તરફથી તેમના રિસર્ચ માટે રિસર્ચ એડવાઈઝરી કમિટીની પણ રચના થઈ રહી નથી.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે રોય ડિસેમ્બર-2017થી લઈને જૂન-2018 સુધી ત્રણ વખત ત્રણ નવા સુપરવાઈઝરની નિયુક્તિની અપીલ કરી ચુક્યા છે. પરંતુ યુનિવર્સિટી તરફથી કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. રોયે ખુદ અભ્યાસ કરતા કોઈની પણ મદદ વગર જુલાઈ-2018માં સંશોધનનો મુસદ્દો આપ્યો હતો. રૉયના આ સંશોધન મુસદ્દાને જ્યારે કમિટી ઓફ એડવાન્સ સ્ટડી એન્ડ રિસર્ચમાં રજૂ કરવામાં આવ્યો, તો તેને પ્રાધ્યાપકે પોતાની પાસે રાખી લીધો અને કહ્યુ હતુ કે અહીં હિંદીની તરફેણમાં રિસર્ચ કરવા મટે કોઈ સ્થાન નથી. સારુ હશે કે તે દિલ્હી યુનિવર્સિટી ચાલ્યા જાય અને ત્યાં જઈને ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુણગાન કરે.