અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો હતો. વિધાનસભામાં ખેડૂતોની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી હતી. દરમિયાન કૃષિમંત્રી રાધવજી પટેલે ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી હતી. 2021-22માં ખેડૂતો પાસેથી રૂ. 5550ના ભાવે પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવશે. વિધાનસભામાં મુંદ્રા પોર્ટ ઉપરથી પકડાયેલા હેરોઈન મુદ્દો પણ ગુંજ્યો હતો.
ગુજરાત વિધાનસભાના આજના સત્રમાં સરકારે મગફળીની ખરીદી માટેની તારીખો જાહેર કરી હતી. સરકાર તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બાબતે ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશે. સરકારે 2 વર્ષમાં 7 લાખ મેટ્રીકથી વધારે ટન મગફળી ખરીદી જે ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ મારફતે કરી હતી. 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 275 રૂપિયામાં ખરીદી હતી જ્યારે 2021-22માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 550 રૂપિયામાં ખરીદી હોવાની પણ માહિતી આપી હતી. વિપક્ષ તરફથી કોંગ્રેસના અમિત ચાવડાએ મગફળીનો મુદ્દો આજે ગૃહમાં પ્રથમ દિવસે ઉઠાવ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ કહ્યું હતું કે 2022 હવે નજીક છે ત્યારે ભાજપના વાયદા પ્રમાણે ખેડૂતોની આવક બમણી ક્યારે થશે. મગફળીના મુદ્દે ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે જેમાં 4 હજાર કરોડના કૌભાંડના અનેક પુરાવા પણ આપી ચૂક્યા છીએ. મગફળી ગોડાઉન સળગાવી દેવાયા અને બારદાન બદલીને કૌભાંડ કરવામાં આવ્યા છે.
વિધાનસભામાં મુદ્રા પોર્ટ પર પકડાયેલા હેરોઇનનો મુદ્દો ચગ્યો હતો, એક તરફ જ્યાં સરકાર દાવા કરી રહી છે કે આ એક મોટું ઓપરેશન છે અને પોલીસની વાહવાહી કરવી જોઈએ ત્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો સરકારની કામગીરી સામે આ મુદ્દે સવાલો ઉઠાવી રહ્યા છે.