નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે.
સુપ્રીમ કોર્ટમાં પશ્ચિમ બંગાળ સરકારને હાલ કોઈ તાત્કાલિક રાહત મળી નથી. સંદેશખાલી કેસની સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશને પડકારનારી અરજી પર તાત્કાલિક સુનાવણીની અપીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુખ્ય ન્યાયાધીશના આદેશની પ્રતીક્ષા કરો. અરજીમાં પશ્ચિમ બંગાળ સરકારે દલીલ આપી છે કે હાઈકોર્ટ દ્વારા 4.30 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે, જે અમારા અધિકારોનું હનન કરે છે.
પાયાવિહોણા આરોપ લગાવીને સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો, જ્યારે અમારી એસઆઈટી તપાસ કરી રહી હતી. રાજ્ય સરકારે કહ્યું છે કે સીબીઆઈને કેસ ટ્રાન્સફર કરવો ખોટું છે. આ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન છે. રાજ્યની પોલીસે આ મામલામાં ઝડપ દેખાડી છે અને તેની હાલ તપાસ ચાલી રહી છે એએસજીનું હાઈકોર્ટમાં કહેવું હતું કે શાહજહાં શેખ પર પહેલેથી જ લગભગ 40 એફઆઈઆર નોંધાયેલી છે. પરંતુ તેની ધરપકડ ઈડી પર હુમલાના મામલામાં નોંધાયેલી બે એફઆઈઆરના સંદર્ભે કરવામાં આવી છે. આ રાજ્યની ભાવનાને દર્શાવે છે.
તો પશ્ચિમ બંગાળ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ પોલીસે હાઈકોર્ટના આદેશને એવી રીતે સમજ્યો કે હાઈકોર્ટે માત્ર ઈડી સાથે થયેલી ઘટનાની તપાસ માટે એસઆઈટી બનાવવા પર રોક લગાવી છે. માટે અમે શાહજહાં શેખ પર પોતાની કાર્યવાહી ચાલુ રાખીને તેને એરેસ્ટ કરી લીધો.
પાંચમી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ રાશન ગોટાલામાં અકુંજીપારા ખાતેના શેખના નિવાસસ્થાન પર દરોડા માટે પહોંચેલા ઈડી અધિકારીઓને લગભગ 200 સ્થાનિકોના હુમલાનો ભોગ બનવું પડયું હતું. આ ઘર્ષણ દરમિયાન ઘણાં ઈડી અધિકારીઓ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ પોલીસે 55 દિવસ બાદ આખરે 29 ફેબ્રુઆરીએ તેને એરેસ્ટ કર્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યુ છે કે ચીફ જસ્ટિસનો સંપર્ક કરો. આ મામલામાં સુનાવણી જલ્દીથી લિસ્ટ કરવા પર ફેંસલો કરશે. લંચ સમયે ચીફ જસ્ટિસ નક્કી કરશે કે ક્યારે અને કઈ ખંડપીઠ સમક્ષ સુનાવણી થાય.
પશ્ચિમ બંગાળ સરકારે અત્યંત તત્પરતા સાથે તપાસને આગળ વધારી. શેખ શાહજહાંને હાઈકોર્ટ દ્વારા એ સ્પષ્ટ કરાયા બાદ તાત્કાલિક એરેસ્ટ કરવામાં આવ્યો કે તેની ધરપકડ પર રોક નથી. રાજ્ય સરકારનું કહેવું છે કે હાઈકોર્ટનો આદેશ વિકૃત, ગેરકાયદેસર અને મનસ્વી છે અને તેને નામંજૂર કરવો જોઈએ. રાજ્ય સરકાર પર આરોપો પાયાવિહોણા છે.
તપાસને સીબીઆઈને હસ્તાંતરીત કરવી એ માનનીય કોર્ટ દ્વારા નિર્ધારીત કાયદાનું ઉલ્લંઘન છે. હાલના મામલામાં રાજ્ય પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા વ્યાપક પગલાઓની સંપૂર્ણપણે અણદેખી કરવામાં આવી છે.
બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે અને મામલાનો ઉલ્લેખ કર્યો, પરંતુ મામલો યાદીબદ્ધ થયો નથી. હવે તેના પછી સીબીઆઈએ તાત્કાલિક સુનાવણી માટે હાઈકોર્ટની દિશા પકડી છે. આ દરમિયાન શાહજહાં સીઆઈડીની કસ્ટડીમાં છે, જ્યારે સીબીઆઈએ હવે ફરીથી તેની માગણી કરી છે.
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી કેસને લઈને સતત ગરમાગરમી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર સંદેશખાલીના દરિંદાઓની મદદ કરે છે. તેમણે કહ્યુ છે કે સીબીઆઈ એકલા પોતાના દમ પર તમામ અપરાધીઓને ઝડપી નહીં શકે. આ રાજ્યની સરકાર સંદેશખાલીના દરિંદાઓને મદદ કરે છે. રાજ્ય સરકારે આ દરિંદાઓને પાળ્યા છે. બંગાળમાં દરિંદાઓનું રાજ છે.
તો ટીએમસીના સાંસદ સૌગત રાયે કહ્યુ છે કે રાજ્ય સરકારને ભરોસો છે કે સીઆઈડી આ કેસને હેન્ડલ કરવામં સક્ષમ છે. ઈડી, સીબીઆઈએ શાહજહાંને એરેસ્ટ કર્યો ન હતો, રાજ્ય પોલીસે કર્યો હતો.