કોલકાતાઃ પશ્ચિમ બંગાળની હુગલી જિલ્લા અદાલતે 2020માં એક યુવકની હત્યાના કેસમાં સાત લોકોને ફાંસીની સજા સંભળાવી છે. યુવકની હત્યા કર્યા બાદ આરોપીઓએ તેના શરીરના નાના-નાના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. કોર્ટે તમામ સાત આરોપીઓને વિષ્ણુ માલની હત્યા અને મૃતદેહને વિકૃત કરવા માટે દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અન્ય એક આરોપી શરીરના અંગોનો નિકાલ કરવા બદલ દોષિત ઠર્યો હતો. અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ચૂચુરાએ વિશાલ દાસ અને અન્ય છ સહયોગીઓને માલની હત્યા માટે દોષિત ઠેરવ્યા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, ચુચુરામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ વિશાલ દાસ અને તેના સહયોગીઓએ 11 ઓક્ટોબર, 2020ના રોજ વિષ્ણુ માલનું તેના ઘર નજીકથી અપહરણ કર્યું હતું. તેમણે કહ્યું કે વિષ્ણુની હત્યા કર્યા બાદ આરોપીઓએ તેના શરીરના નાના-નાના ટુકડા કરી નાખ્યા હતા. તેને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા.
પોલીસ તપાસ દરમિયાન દાસ અને અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મૃતક વિષ્ણુ માલ સાથે સંબંધ ધરાવતી મહિલા હોવાનું કહેવાય છે. મહિલાએ આરોપી વિશાલ દાસના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જેનાથી ગુસ્સે થઈને વિશાલે માલને માર માર્યો હતો. આ કેસમાં સાત આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય એક વ્યક્તિને તેના શરીરના અંગો ફેંકી દેવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.