મુંબઈઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન બેંગ્લોરમાં એક ચેઈનસ્નેચીંગની ઘટના સામે આવી છે. સોનાની ચેઈન ખેંચીને ભાગેલા સ્નેચરનો પોલીસે ઝડપી લીધો હતો. જો કે, ધરપકડથી બચવા માટે તે સોનાની ચેઈન ગળી ગયો હતો. આરોપીનો એક્સૃરે કરાવતા તેના પેટમાં સોનાની ચેઈન મળી હતી. જેથી પોલીસે તેને બહાર કડાવવા માટે અનેક કેળા ખવડાવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય બેંગ્લોરમાં એમટી સ્ટ્રીટ પર હેમા નામની એક મહિલાની ચેઈન ચોરાઈ ગઈ હતી. જો કે, મહિલાએ પોતાની ચેનને એક હાથથી પકડી રાખી હતી, જ્યારે ચોર તેને પકડીને ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. જો કે અંતે ચોર આ 70 ગ્રામની ચેઈન ચોરવામાં સફળ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાએ બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ ગયા હતા અને બધાએ પકડીને ચેઈનસ્નેચરને માર માર્યો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્ત સ્નેચરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. આ સ્નેચરનું નામ વિજય હોવાનું જાણવા મળે છે. તેણે ધરપકડથી બચવા માટે સોનાની ચેઈન ગળી ગયો હતો. આ વાતથી અજાણ પોલીસ તેને સારવાર અર્થે લઈ ગઈ હતી. જ્યાં એક્સ-રે કરાવતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
એક્સ-રેમાં સોનાની સાંકળની તસવીર જોવા મળી હતી, જેને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. શરૂઆતમાં વિજયે દલીલ કરી કે તેણે સાંકળ તરીકે જે જોયું તે હાડકુ છે, પરંતુ પોલીસને તેની વાત ગળે ઉતરી ન હતી. ડોક્ટરોને તેને રેચક એનિમા આપવા અને તેને કેળા ખવડાવવા કહ્યું હતું. જેથી પોલીસે કેળા ખવડાવ્યાં હતા અને તેની પાસેથી સોનાની ચેઈન બહાર કઢાવી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને તેની સામે કારયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.