બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી
ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાપટ્ટીમાં ટૂંકા ગાળાના યુદ્ધ વિરામ માટે ઇજિપ્તના રાષ્ટ્રપતિના પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સિસ્સી અને અલ્જેરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમાજિદ તેબ્બોએ કેરોમાં સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન રજૂ કરેલ આ યુદ્ધ વિરામ પ્રસ્તાવમાં, પેલેસ્ટિનિયન કેદીઓ માટે ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવા માટે બે દિવસ માટે યુદ્ધ વિરામનું સૂચન કરાયું છે. જે પછી કાયમી યુદ્ધ વિરામ માટે 10 દિવસમાં વાટાઘાટોનો પ્રસ્તાવ છે.
ઘણા ઇઝરાયેલી મંત્રીઓના સમર્થન થતાં નેતન્યાહૂએ આ પ્રસ્તાવનો ભાર પૂર્વક વિરોધ કરતા જણાવ્યું કે, વાટાઘાટો યુદ્ધની સ્થિતિમાં જ થશે. અમેરિકા, ઇજિપ્ત અને કતરે યુદ્ધ વિરામની પહેલ કરી હતી. જોકે નેતન્યાહૂએ આ પ્રસ્તાવને ફગાવી દેતા, કેદીઓની આપ-લે અટકી ગઈ છે. ગત વર્ષે ઑક્ટોબર માસમાં હમાસે ઇઝરાયેલમાં કરેલી ઘૂષણખોરી બાદથી આ સંઘર્ષની શરૂઆત થઈ હતી. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તાત્કાલિક સંઘર્ષ વિરામ લાગુ કરવા માટે આહ્વાન કર્યું હતું, આમ છતાં ઇઝરાયેલની સેનાએ હુમલા ચાલુ રાખ્યા છે.