Site icon Revoi.in

કચ્છના અબડાસાના બેનમુન બાંધણીઓની મુંબઈ, કોલકાત્તા, જયપુર સહિતના મહાનગરોમાં ભારે માગ

Social Share

ભૂજઃ કચ્છમાં ભૂકંપ બાદના બે દાયકામાં ઔદ્યોગિક વિકાસે હરણ ફાળ ભરી છે. તેના લીધે રોજગારીનું પણ સારૂ એવું સર્જન થયુ છે. કચ્છનું ભરતકામ પણ દેશભરમાં વખણાય છે. આ ઉપરાંત બાંધણી ઉદ્યોગ પણ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અબડાસામાં બાંધણીકળા દ્વારા નવથી દસ હજાર બાંધણી’ કારીગર મહિલાઓ દૈનિક રૂા. 100થી 200 લેખે ચાર-પાંચ કલાક કામ કરીને  ઘેરબેઠા જ રોજગારી મેળવે છે. જ્યારે પુરુષવર્ગ પણ બાંધણીકામમાં જોતરાયેલા છે. જેમના કામના કલાકો વધુ હોવાથી દૈનિક રૂા. 300થી 500 કે તેનાથી વધારે પણ કમાવી લે છે. અબડાસામાં રોજગારીની તકો મર્યાદિત છે ત્યારે ઘણા બધા ગામોમાં અનેક પરિવારોમાં બાંધણીકળા એ નિર્વાહનું સાધન બની ગયું છે.

અબડાસા તાલુકાના  35થી 40 ગામોમાં બાંધણી બાંધવાનું કામ વર્ષોથી ચાલુ છે, પરિણામે ત્રણેક હજાર કુશળ કારીગરો છે. જ્યારે સાતેક હજાર જેટલા અર્ધકુશળ કારીગરો છે. તાલુકાના તેરા, બારા, નલિયા, સુડધ્રો, કોઠારા, વાયોર, રામપર (અ), છસરા, જખૌ, સુથરી, ડુમરા, વરાડિયા, હમીરપર, ધુફી, બારા, બીટ્ટા, ભવાનીપર, મોથાળા, બાલાપર, નાની-મોટી વમોટી, ઉસ્તીયા, લાખાણિયા, બાંડિયા, વિંઝાણ, આમરવાંઢ, રે. મંજલ વગેરે ગામોમાં બાંધણી બાંધવાનું કામ કારીગરો દ્વારા વર્ષોથી ચાલુ છે. હેરિટેજ વિલેજ `તેરા’ એ બાંધણીકળાનું હબ ગણાય છે. તેરાની બાંધણીકળા 150થી 200 વર્ષ પુરાણી છે. તેરાની બાંધણીની વિવિધ જાતો વખણાય છે. સાચી જરીની પેઠણીનું કાપડ માત્ર એક લાખ રૂપિયાનું હોય છે. જેની બાંધણી બાંધવાની મજૂરી રૂપિયા 18000  થાય છે.

આ બાંધણી કુશળ કારીગર હોય તો 4થી 5 મહિનામાં તૈયાર થઇ જાય છે. જેનું કાપડ મહારાષ્ટ્રથી આવે છે અને માંગ પણ મહારાષ્ટ્રમાં  સારી છે. બનારસી બાંધણીમાં સાચી જરીવાળાની કિંમત રૂા. સાઇઠથી સીતેર હજાર છે પણ ડુપ્લીકેટ ખોટી જરીવાળી બનારસી બાંધણીની કિંમત રૂા. 6 હજારથી 35 હજાર હોય છે, જેની માંગ મુંબઇમાં વધુ હોય છે. ચાંદરોખણી બાંધણી લગ્ન પ્રસંગે તેનો મહિલાઓ ખાસ ઉપયોગ કરે છે. જેની કિંમત રૂા. આઠથી દસ હજાર હોય છે. આ બ્રાન્ડ અહીંથી તૈયાર થાય છે. જેને ચાર મહિનાનો સમય લાગે છે.

મેમણ કોમમાં લગ્ન પ્રસંગે ખાસ પહેરાતી શિકારી ઉર્ફે મેમણા ફેશન ડેઢો (દુપટ્ટો)ની કિંમત રૂા. છ હજારથી 8000ની હોય છે, જેને તૈયાર થતાં 3થી 4 મહિના લાગે છે. એ ઉપરાંત બાંધણીમાં ઘણી બધી જાતો અબડાસામાં તૈયાર થાય છે, જેમાં ગજીસિલ્ક, જોરજટ સિલ્ક, ફેપસિલ્ક, સામો સિલ્ક, ટસર સિલ્ક, મોઘા સિલ્ક, લીલન સિલ્ક, બનારસી, મદુરાઇ કોટન સહિતની જાતોની ભીંડી પણ અબડાસામાં’ બંધાય છે. ખાસ કરીને અબડાસાનો માલ મુંબઇ, કલકતા, દિલ્હી, અમદાવાદ, સુરત, મદ્રાસ, જયપુર, રાજસ્થાન વગેરે દૂર-દૂરના શહેરોમાં તેની માંગ હોય છે, જેથી આવી બાંધણી ત્યાં મોકલાવાય છે. આ બાંધણીકળા વખતો વખત રાષ્ટ્રીય ફલક પર પણ ચમકી છે.