સુરતઃ પ્લાસ્ટીક વેસ્ટ પ્રદુષણને અગણિત નુકશાન પહોંચાડી રહ્યું છે. ત્યારે પ્લાસ્ટીકને રિસાઈકલિંગ કરીને તેનો રોડ-રસ્તા બનાવવામાં ઉપયોગ થાય તો સમસ્યાનો હલ નિકળી શકે તેમ છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોએ આ પ્રયોગને સફળ બનાવ્યો છે. ત્યારે સુરતમાં પણ પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં રોજ 220 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાંથી 65થી 70 મેટ્રિક ટન કચરાના સંગ્રહને રિસાઇકલ માટે પ્રોસેસ કરાય છે. તેમાંથી 8% વેસ્ટ તો પ્લાસ્ટિક રોડ બનાવવાની પ્રક્રિયામાં વપરાય છે. છેલ્લાં 4 વર્ષમાં 70 હજાર મે.ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરાયું છે. આ સિદ્ધિને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે વખાણી સુરતને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશનું રિસાયક્લિંગ મોડલ ગણાવ્યું છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પડકારરૂપ પ્લાસ્ટિક વેસ્ટ પૈકીનો 65થી 70 મેટ્રિક ટન કચરો રિસાઇકલ માટે ભટાર પ્લાન્ટ ઉપર સંગ્રહ કરાય છે. આ પ્રક્રિયામાં ઇકોવિઝને 400થી વધુ કર્મીઓને આજીવિકા આપી તેમના આરોગ્યની સંભાળ રાખી સામજિક સુરક્ષા પણ કરી રહ્યું છે. પ્લાસ્ટિક પ્રદુષણ મુદ્દે તંત્રે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યાં છે. પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 50 માઇક્રોનથી ઊંચી ગુણવત્તા વાળી પોલિથીન બેગના ઉપયોગની જાગૃતિ સફળ થઇ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરતના ભટારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પર કચરાવાળું પોસ્ટ કન્ઝ્યુમને ગ્રેન્યુઝ બનાવતી વખતે પોલીથીન બેગ, ડબ્બા, બોટલ કલેક્ટ કરી શેમ્પુથી વોશ કરી ગ્રેન્યુઅલ કરી પ્લાસ્ટિકના દાણા તરીકે માર્કેટમાં વેચાણ માટે મુકાય છે. પ્લાસ્ટિક વેસ્ટ નષ્ટ ન થઇ શકે જેથી તેને ઇજનેરી તથા ટેકનોલોજી સાથે પર્યાવરણના નિયમોને આધિન રિસાઇકલ કરાય છે. શહેરમાં 70 હજાર મેટ્રીક ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરવામાં સફળતા મળી છે. યુએનડીપીએ પદ્ધતિ વખાણી તે દેશ માટે ગર્વ સમાન છે. સુરત પાસેથી રિસાઇકલ જથ્થો લેવા મોટી કંપનીઓ પણ કરાર કરવા રાજી થઇ છે. (File photo)