Site icon Revoi.in

સુરતમાં પ્લાસ્ટીક વેસ્ટનો કરાયો બેસ્ટ ઉપયોગઃ મનપાએ બનાવ્યાં પ્લાસ્ટીકના રસ્તા

Social Share

અમદાવાદઃ ભારત સહિત સમગ્ર દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યું છે. તેમજ પ્રદુષણને ઘટાડવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરત પાલિકાએ કચરામાંથી નીકળતા પ્લાસ્ટીક વેસ્ટનો રસ્તા બનાવવામાં ઉપયોગ કરીને તમામને ચોંકાવી દીધા છે. ચોમાસામાં વરસાદમાં ડામરના રસ્તા ધોવાઈ જવાની ફરિયાદો ઉઠતી હતી. જો કે, પ્લાસ્ટીકના કચરાના ઉપયોગથી બનાવાયેલા રસ્તા લાંબા ચાલવાની શકયતા છે.

સુરત શહેરમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલના મેનેજમેન્ટને લઈને સુરત મહાનગરપાલિકા અનોખી પહેલી રહી હતી. સુરત શહેરમાં દરરોજ લગભગ 2100 મેટ્રિક ટન કચરો નીકળે છે. જેમાં પ્લાસ્ટિકની થેલીઓ, દૂધ-છાશની થેલીઓ, વોટર બોટલ તેમજ અન્ય પ્લાસ્ટિક મટીરીયલ મળીને 157 મેટ્રિક ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. આ ઉપરાંત સુરતમાં મોટા પાયે ઉદ્યોગો ધમધમતા હોવાથી ત્યાંથી પણ યાર્ન, ચીંદી, કાપડના ડૂચા, ટેક્સટાઇલ માર્કેટ વેસ્ટ, વિવિંગ વેસ્ટ, નાયલોન વેસ્ટ દોરા સહિતનો કચરો પણ નીકળે છે. જેને પણ પ્લાસ્ટિક વેસ્ટમાં ગણવામાં આવે છે. સુરત મનપા દ્વારા આ પ્લાસ્ટીક વેસ્ટમાંથી નવા રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને પોલીમર બીટ્યુમીન રોડ બનાવવામાં આવે છે. હાલ પ્રાયોગિક ધોરણે 7 અલગ અલગ રોડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ રોડ બનાવવામાં ડામરનું પ્રમાણ પહેલાના જેટલું જ રાખવામાં આવશે. પરંતુ 1 મેટ્રીક ટન ડામરમાં 100 કિલો જેટલું પ્લાસ્ટિક વેસ્ટ ઉમેરવામાં આવે છે. હોટમિક્સ પ્લાન્ટમાં પ્લાસ્ટિકની કચરણ, ડામર અને કપચી એકબીજા સાથે ભેળવવામાં આવે છે. જેથી તેમાં પાણીની અસર થતી નથી. આનાં કારણે રોડની મજબુતાઇ વધશે તે નિશ્ચિત છે. પ્લાસ્ટિક રોડ બનાવવા માટે 10 ટકા પ્લાસ્ટિક વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામાન્ય ઢબનાં રસ્તા બનાવવા કરતાં મોંઘો છે પણ લાંબા ગાળે ટકાઉ હોવાનું મનાઈ રહ્યું છે.