ઉજ્જૈનમાં ICC T20 વિશ્વકપની ક્રિકેટ મેચ ઉપર રમાતા સટ્ટા રેકેટનો પર્દાફાશ
ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન પોલીસે શહેરના બે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને કરોડોના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા જે સવાર સુધી ચાલુ રહ્યા હતા. પોલીસે આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એસપી પ્રદીપ શર્માની આગેવાનીમાં બે પોલીસ ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન એટલી રોકડ જપ્ત કરવામાં આવી હતી કે તેને ગણવા માટે મશીન બોલાવવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, રાત્રે પોલીસની ટીમે નીલગંગા પોલીસ સ્ટેશન વિસ્તારના 19 ડ્રીમ્સ અને ખારાકુવા પોલીસ સ્ટેશન વિસ્તારના મિર્ઝાનઇમ બેગ માર્ગ સ્થિત બે ઘરોમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહીની માહિતી મળતાં જ સટ્ટાબાજીનો ધંધો ચલાવતો મુખ્ય આરોપી પીયૂષ ચોપરા ફરાર થઈ ગયો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે લગભગ 15 કરોડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના, 8 લેપટોપ, 8 મોબાઈલ, 2 ટીવી અને ઘણા દસ્તાવેજો સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે સટોડિયાઓ પાસેથી વિદેશી ચલણ પણ જપ્ત કર્યું હતી. મળી આવેલી જંગી રોકડ રકમની ગણતરી કરવા માટે પોલીસે મશીન મંગાવવું પડ્યું જેથી પૈસાની ગણતરી થઈ શકે. સુત્રોના જણાવ્યા અનુસાર ફરાર મુખ્ય આરોપી પીયૂષ ચોપડા ઓનલાઈન ગેમિંગ અને અમેરિકામાં ચાલી રહેલી T-20 વર્લ્ડ કપ મેચો પર સટ્ટો રમાડતો હતો. તેણે આવી અટકળો સટ્ટા મારફતે કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી.