- સુરેન્દ્રનગરના ધોળી ધજા સહિત તમામ ડેમ ઓવરફ્લો,
- નદીઓ બેકાંઠા બનતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા,
- ચોટિલા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તમામ નદીઓ બેકાંઠા બની છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ પર બેઠા પુલ પરથી પાણી વહી રહ્યું હોવા છતાંયે ઘણા વાહનચાલકો જીવની પરવાહ કર્યા વિના બેઠાપુલ પરથી વાહનો હંકારતા હોય છે. ગોંડલના કોલપરી નદીમાં ત્રણ પ્રવાસી સાથેની કાર તણાઈ ગયાની ઘટના તાજી છે. ત્યારે ધ્રાંગધ્રા-સરા વચ્ચે પણ પીક-અપ વાન તણાતા ચાલક સહિત બે વ્યક્તિઓ પૂરના પાણીમાં ફસાયા હતા. દરમિયાન આ ઘટવાની જાણ થતાં મામલતદાર સહિત અધિકારીઓએ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને પૂરના પાણીમાં ફસાયેલા બન્ને વ્યક્તિઓને બચાવી લીધા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે સરા અને ધ્રાંગધ્રા વચેની કારાપાણાની નદી બે કાંઠે વહેતી થઈ છે. આ નદીના પાણીમાં સવારે એક પિક-અપ વાન તણાતા પિકઅપ વાનમાં બેઠેલા ચાલક સહિત બે યુવાનો ફસાયા હતા. આ બનાવની જાણ જિલ્લા કંટ્રોલ રૂમને મળી હતી. આ જાણકારીના પગલે ધ્રાંગધ્રા મામલતદાર અને તેમની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા બંને માણસોનું રેસ્ક્યુ કરી તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા જિલ્લાના તમામ લોકોને સલામત સ્થળે રહેવા અને નદી નાળા સહિતના પાણીનો ભરાવો થયો હોય તેવા સ્થળોએ જવાનું ટાળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘો ઓળઘોળ બન્યો છે. જેમાં ભારે વરસાદના પગલે ધોળીધજા ડેમ સહિત તમામ ડેમો ઓવરફ્લો થયા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ 100 %થી વધુ પડ્યો છે. એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં મેઘાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં 29 ઇંચ વરસાદથી જળબમ્બાકારની સ્થિતિ ઉભી થઇ છે. જ્યારે ચોટીલામા મોસમનો કુલ વરસાદ 108.80 % એ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ ચોટીલા પંથકમાં નોંધાયો છે. જ્યારે ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કેયુર સી. સંપટ દ્વારા લોકોને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારમા નં જવા અપીલ કરવામાં આવી છે.
#SurendranagarFloods #HeavyRainfall #DamsOverflow #RiverOverflow #SaurashtraRain #ChotilaFlooding #SurendranagarWeather #FloodAlert #DholaDhajaDam #MonsoonImpact #FloodRescue #WaterCrisis #RainDamage #RuralFloods #NadiBekantha #FloodPreparedness #EmergencyResponse #WeatherUpdate #RescueOperations #RiverFlooding