RTOના નામે ફેક મેસેજથી વાહન પરિવહન નામે મોકલાતી લિંક પર ક્લિક ન કરવા અપીલ
સુરતઃ સોશ્યલ મીડિયાના જમાનામાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. લોકોને તેના મોબાઈલ ફોન પર વોટ્સએપ કે એસએમએસ દ્વારા લિંક મોકલીને છેતરપિંડી કરવાના બનાવો પણ બની રહ્યા છે. સુરતની આરટીઓ કચેરીમાં નોંધાયેલા વાહનચાલકોને વાહન પરિવહનના નામે મેસેજ કરીને દંડ ભરવાનું કહીને લીંક મોકવામાં આવે છે. ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા હોવાથી સુરત આરટીઓ દ્વારા શહેરના નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કે, ખાનગી નંબર પરથી વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ આવે અને એમાં લિંક મોકલવામાં આવે તો એ લિંક પર ક્લિક કરવું નહીં. આવી કોઈ પણ લિંક કે વૉટ્સઅપ મેસેજ આરટીઓ વિભાગ દ્વારા મોકલવામાં આવતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આર.ટી.ઓના નામે સુરતથી નોંધણી પામેલા વાહન ચાલકોને વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાહન પરિવહન પોર્ટલના નામથી લિંક મોકલવામાં આવે છે. આ અંગે આર.ટી.ઓ વિભાગ દ્વારા ક્યારેય વૉટ્સઅપ મેસેજ કરવામાં આવતા નથી. વાહન પરિવહન પોર્ટલ પર રજિસ્ટર્ડ વાહન નંબર અને અન્ય વિગતો એન્ટર કર્યા બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા OTP એન્ટર કરીને વાહન પરના ચલણની વિગતો મેળવી શકાય છે. જેનું ઑનલાઈન પેમેન્ટ ઈ-ચલણ પોર્ટલ પર જ કરી શકાય છે. જેથી કોઈ પણ ખાનગી નંબર પરથી વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ આવે અને એમાં લિંક મોકલવામાં આવે તો એ લિંક પર ક્લિક કરવું નહીં. આવી કોઈ પણ લિંક કે વૉટ્સઅપ મેસેજ સુરત આરટીઓ વિભાગ દ્વારા મોકલવામાં આવતો નથી. તથા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા જણાવાયું છે.