ભાદર-2 ડેમ છલકાયો, ડેમના 4 દરવાજા ખોલાયાં, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વરસાદને લીધે જળાશયોમાં નવી નીર આવ્યા છે. કેટલાક જળાશયો છલકાયા છે. જેમાં ધારાજીના ભાદર-2 ડેમ છલોછલ ભરાતાં ડેમના 4 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રામજનોને નદી પટ વિસ્તારમાં ન જવા સુચના આપવામાં આવી છે. ડેમના ઉપરવાસમાં વરસાદને કારણે હજુપણ પાણીની આવક થઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સારોએવો વરસાદ પડ્યો છે. વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધોરાજીમાં 7 ઈંચ વરસાદ પડતા સફુરા નદીમા પુર આવ્યું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી. ધોરાજીમાં 24કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડતાં રોડ પર પાણી વહી ગયા હતા ધોરાજી નાં શાકમાર્કેટ, ચકલાં ચોક, રામપરા,ફરેણી રોડ સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ધોરાજીમાં ભારે વરસાદને પગલે સફૂરા નદીમાં પૂર આવતાં મોટી પાનેલીનો ફૂલઝર ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે ગોંડલમાં ગત રાત્રીથી ધીમી ધારે સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદ ને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. તાલુકાના વાસાવડ, દેરડી, શ્રીનાથગઢ, મોવિયા સહિત પંથકમાં વરસાદ વરસ્યો હતો. ધોરાજી પંથકમાં ગઈકાલે બુધવારે 7 ઇંચ વરસાદ વરસી જતા ધોરાજીનો ભાદર-2 ડેમ છલકાયો હતો. ભારે વરસાદ પડતાં ભાદર ડેમ 2 નાં ચાર દરવાજા ખોલાયા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા છે. હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે, ડેમના અધિકારીઓ ડેમમાં પાણીની આવક-જાવક પર સતત નજર રાખી રહ્યા છે.