અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાત સહિત દેશભરમાંથી મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. યાત્રાળુઓને શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે માટે, આ વર્ષે પવિત્ર યાત્રાધામ બોર્ડની સાથે મળીને CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને અંબાજી ખાતે યાત્રાળુઓ માટેની સુવિધાઓના આયોજનની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે જ યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસેલિટીની ડિઝાઈન અને એનાઉન્સમેન્ટ સિસ્ટમ પર પણ CRDF દ્વારા કામ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીને QR Codeની પહેલ કરવામાં આવી છે. આ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અને તેના સ્થળની સંપૂર્ણ માહિતી મળી રહેશે.
ધાર્મિક પ્રવાસન સ્થળોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા આ તમામ સ્થળોએ શ્રદ્ધાળુઓને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તમામ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. રાજ્યભરમાંથી આવતા લાખો પદયાત્રાળુ માટે અંબાજી માર્ગ પર સેવા કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા-નાસ્તો, મેડિકલ સેવા કેમ્પ, માલિશ કેમ્પ , આરામ વ્યવસ્થા તેમજ રાત્રિ રોકાણ માટેની અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોરોના કાળના બે વર્ષ બાદ મેળો યોજાતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૂત્રોએ જણાવ્યું બતું કે, આ વખતે અંબાજીમાં યાત્રાળુઓને કોઈપણ અગવડનો સમનો ન કરવો પડે તે માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીને QR Codeની પહેલ કરવામાં આવી છે. આ સ્કેન કરવાથી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ અને તેના સ્થળની સંપૂર્ણ માહિતી મળી રહેશે. અંબાજી મેળામાં પરિવારથી વિખૂટા પડેલા કે ગુમ થયેલા બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવા માટે અનોખો ‘માતૃમિલન પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને વોડાફોન આઈડીયાના સંયુક્ત ઉપક્રમે “માતૃમિલન પ્રોજેક્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દરેક બાળકને એક QR-Code કાર્ડ પહેરાવવામાં આવે છે. આ QR- Scan Codeમાં બાળકના વાલીનો મોબાઈલ નંબર એડ કરી લોક કરવામાં આવે છે. આ ડિજીટલ પહેલથી મેળામાં ખોવાયેલી મહીસાગર જિલ્લાની બે દીકરીઓનું તેમની માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોતાના પરિવાર સાથે મા અંબાના પગપાળા દર્શન કરવા પહોંચેલ નેહા પ્રજાપતિએ જણાવ્યું કે ‘કોરોનાના બે વર્ષ બાદ જ્યારે આ પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે તે ભક્તો માટે ખાસ છે. હવે ફોર લેન રસ્તાથી લઈને ભક્તોને કોઈ પણ હાલાકી વેઠવી ન પડે તે રીતે ટ્રાફિકનું પણ નિયમન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કરવામાં આવેલી વિસામા અને રાહત કેમ્પની વ્યવસ્થાના કારણે જરા પણ થાકનો અનુભવ ન થાય તે રીતે અંબાજી પહોંચીને માના દર્શનનો લાભ લઈ શકાયો છે.