Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી મેળાની ધૂમ તૈયારીઓ, કલેકટરએ બેઠક બોલાવીને એક્શનપ્લાન તૈયાર કર્યો

Social Share

અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ વખતે ભાદરવી પૂમનના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં એક્શન પ્લાન અંગે કલેકટર કચેરી પાલનપુરમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિભાગવાર અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. મેળામાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા તથા વાહનો મારફત આવતા હોવાથી મેળામાં આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને મેળાની કામગીરી સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોને અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી છે. આ મિટિંગમાં આ કામગીરી સુનિશ્ચિત ઢબે અને એકબીજાનાં સંકલનમાં રહીને થાય તે માટે દરેક વિભાગે બનાવેલા એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં કલેકટર મિહિર પટેલે આરોગ્ય, સફાઈ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, કાયદો અને સલામતી, પાર્કિંગ અને ટ્રાફિકની વ્યવસ્થા, રોડની મરામત અને સમારકામ જેવા વિવિધ વિભાગોને સોંપવામાં આવેલા કામોની સમીક્ષા કરી કેટલાક સૂચનો કર્યા હતા. કલેકટરે સમગ્ર મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ મુશ્કેલી ન પડે અને બધી સુવિધાઓ સરળતાથી મળી રહે તેના પર ખાસ ભાર મૂક્યો હતો. આ મિટિંગમાં અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ આગામી ભાદરવી પૂનમ મહામેળાના સમગ્ર સંચાલન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. (file photo)