Site icon Revoi.in

અંબાજીમાં ભાદરવી પૂમનના મેળાનો રંગેચંગે પ્રારંભ, સાત દિવસ જામશે ભક્તિભર્યો માહોલ

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજે તા.12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજીના સિંહદ્વાર પાસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસવડા અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા માતાજીનો રથ ખેચીને મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આજથી શરૂ થયેલો મેળો ભાદરવી પૂમન સુધી એટલે કે 18મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આજે વહેલી સવારે મંગળા આરતીમાં ભક્તોનો મહાસાગર અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો અને જગતજનની મા અંબાનાં દર્શન કરી ધન્ય બન્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના સાત દિવસના મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. અનેક પગપાળા સંઘો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અંબાજી મંદિરના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહર પટેલ, SP તેમજ વહીવટદાર કૌશિક મોદીએ રથ ખેંચી અને નારિયેળ વધેરીને ભાદરવી પૂનમના મેળાનો આજે પ્રારંભ કરાવ્યો હતો. દાંતા રોડ ખાતે અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવી હતી. આગામી 7 દિવસ સુધી અંબાજી ધામમાં ભક્તિમય માહોલ જામશે. જેમાં લાખો માઈભક્તો દર્શન કરવા મા અંબાના ધામ આવશે.

આજે મેળાના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનો જમાવડો ઊમટ્યો હતો. જગતજનની મા અંબાના મંદિરમાં માતાજીનાં દર્શન કરી માઈભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ભાદરવા મહામેળાને લઈને યાત્રાધામ અંબાજીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. અંબાજીના તમામ રોડ-રસ્તા ઉપર લાઇટિંગ કરવામાં આવી છે. તો સાથે સાથે અંબાજી મંદિરમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર અંબાજી મંદિર પરિસર, ચાચરચોક અને મંદિરને લાઇટિંગથી શણગારવામાં આવ્યાં છે. અંબાજી આવતા તમામ માઇભક્તો આ અલૌકિક અને અદભુત રોશનીને જોઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. આગામી સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઊઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ લોકો દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. સાત દિવસના આ મહામેળામાં વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાઇ છે. જેથી યાત્રાળુઓને કોઈપણ અગવડતા ન સર્જાય અને સરળતાથી માતાજીનાં દર્શન કરી શકે તેવી અનેક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.