કોરોના કાળના બે વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાતાં લાખો માંઈ ભક્તો જાણે તમામ ખોટ પૂરી કરવા માગતા હોય તે રીતે અંબાજીમાં હર્ષ અને આસ્થાનો માહોલ જામ્યો છે. પૂનમના મહામેળાના ત્રીજા દિવસે ભક્તોનું ઘોડાપૂર અંબાજી તરફ અવિરત આગળ વધી રહ્યું છે. જય અંબે જય અંબેની ગૂંજ સાથે અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠી છે.
અંબાજીમાં પગપાળા આવી રહેલા માઈ ભક્તોને જમવા સહિતની સેવા પુરી પાડવા માટે અંબાજી તરફના માર્ગો ઉપર વિવિધ સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાત શ્રદ્ધાળુઓના પરિવહન માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો પણ દોડાવવામાં આવી રહી છે.