અમદાવાદઃ ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. 12 થી 18 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે 30 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે. યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.
- આ વર્ષે કઈ-કઈ સુવિધાઓમાં કરાયો વધારો ?
અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ બનાવવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યામાં, માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યામાં ડોમ યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે 1200 બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઈલ ટોયલેટ, બાથરૂમ તથા યુરીનલની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી અંબાજી વાયા વિસનગર અને હિંમતનગરથી અંબાજી વાયા ઇડર જુદા-જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટોયલેટ બ્લોક, બાથરૂમ, ગરમ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કૂલ 18 સ્થળો પર પુરુષના 7 ટોયલેટ (ઇન્ડિયન ટાઈપ અને યુરોપીયન ટાઈપ), 3 બાથરૂમ, 4 યુરીનલ અને મહિલામાં 8 ટોયલેટ (ઇન્ડિયન ટાઈપ અને યુરોપીયન ટાઈપ), 3 બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ 2024માં મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પ્રસાદ વિતરણના મંડપ, સી.સીટી.વી, 2- કંટ્રોલ રૂમ, પગરખા કેન્દ્ર, ઈલેક્ટ્રીકલ સ્ટ્રીટ લાઈટ, 35 પ્લાઝમા ટી.વી. એલ.ઈ.ડી, એ.આર.વિ.આર સિસ્ટમ, પાર્કિંગની વ્યવસ્થા, સફાઈની કામગીરી ઉચ્ચ કક્ષાની કરવામાં આવી રહી છે.
- ઉત્તમ કક્ષાની સફાઈ વ્યવસ્થા
અંબાજી યાત્રાધામ ખાતે કુલ 1,07,874 ચોરસ મીટર વિસ્તારમાં ઉત્તમ કક્ષાની સ્વચ્છતા/સફાઈની કામગીરી કરવામાં આવી છે. માત્ર જ મંદિર નહી, પરંતુ મંદિરની આજુબાજુના વિસ્તાર, ગબ્બર, 51 શકિતપીઠ તથા યાત્રાળુઓ/શ્રદ્ધાળુઓનો વધારે ધસારો ધરાવતા વિસ્તારોનો સમાવેશ કરી સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ચાલુ વર્ષ-2024માં ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ખુબ જ મોટા પ્રમાણમાં સંઘો/યાત્રિકો આવનાર હોઈ યાત્રાધામ અંબાજી ખાતે કાયમી ધોરણે ચાલતી સ્વચ્છતાની કામગીરી ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા, મહેસાણા-પાલનપુર વગેરે નગરપાલિકાઓ પાસેથી પણ સ્વચ્છતા માટે આધુનિક ટેકનીક મશીનરી દ્વારા કામગીરી કરવામાં આવે છે યાત્રાધામ બોર્ડ દ્વારા વધારાના સફાઈકર્મીઓની ફાળવણીની બાબત આયોજન હેઠળ છે.
- અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ
વોટરપ્રૂફ ડોમ, મેઈન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, એન્ટ્રી ગેટ, વેલકમ પિલર, સાઈનેઝીસ, હોર્ડિંગ, બાઉન્ડ્રીવોલ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રીફીકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, એલ.ઈ.ડી.સ્કીન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ત્રણ દિવસ માટે સાંજે ૭.૦૦ વાગ્યાથી કરવામાં આવશે.
- યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા
યાત્રિકો માટે અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળા-૨૦૨૪ અંતર્ગત યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્વારા દિવાળી બા ભવન અને ગબ્બર સર્કલ પાસે ભોજન વ્યવસ્થા માટે વોટરપ્રુફ ડોમ તેમજ અન્ય ઇન્ફ્રાસ્કચરને લગતી કામગીરી કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા ટેમ્પલ ટ્રસ્ટ તેમજ અન્ય દાતાશ્રીઓ દ્વારા કરવામાં આવી છે.
- ચુસ્ત સલામતિ તથા પાર્કિંગ વ્યવસ્થા
મેળા દરમ્યાન યાત્રાળુઓની સલામતિની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.