અમદાવાદઃ શહેરમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજા ધડબટાડી બોલાવી હતી. છેલ્લા 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેના કારણે શહેરના અનેક વિસ્તારમાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતા. શહેરના પશ્વિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદને પગલે વાહન ચાલકોને લાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ પડી હતી. શહેરના પૂર્વ વિસ્તાર એવા ઓઢવમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. પાણીનું જોર વધતા કેનાલના પાણી રહેણાક વિસ્તારોમાં ઘુસી ગયા હતા. સોસાયટીઓમાં પણ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અને ફાયર સ્ટેશન નજીકનો વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરીજનોએ મુશ્કેલીનો સામને કર્યો હતો. શહેરમાં પાણી ભરાવાના કારણે AMT અને BRTS સેવા પણ ખોરવાઈ ગઈ હતી. સતત વરસાદને કારણે રબારી કોલોની વિસ્તાર પણ પાણી-પાણી થઈ ગયો હતો. દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને નુક્સાન પહોંચ્યું હતુ. વહેલી સવારથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે ખોખરા બ્રિજ વિસ્તાર પણ પાણીના હવાલે થઈ ગયો હતો. નિચાણવાળા કોમ્પ્લેક્ષમાં પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીઓને નુકશાન થયું હતુ. બીજી તરફ ભારે વરસાદથી ગોમતીપુર, રખિયાલમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયાં હતા. એરપોર્ટ રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. શહેરના સ્વસ્તિકચાર રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થયા છે.
શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરના ઓઢવમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે. શહેરમાં સરેરાશ 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં વિસ્તારવાર વાત કરીએ તો ઓઢવમાં 6 ઈંચ, વિરાટનગરમાં 5.5 ઈંચ વરસાદ, મેમ્કો, નરોડા, રાણીપમાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો, ચાંદલોડિયા, નિકોલ, દુધેશ્વરમાં 4.5 ઈંચ વરસાદ, ઉસ્માનપુરા, ચાંદખેડા, કઠવાડામાં 4-4 ઈંચ વરસાદ અને રામોલ, સાયન્સ સિટી, પાલડીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારેથી અતિભારે વરસાદ પડતા અનેક બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. બપોર પછી મીઠાખળી અંડરપાસ બંધ કરાયો હતો, શહેરમાં બાકીના અંડરપાસ પણ એક પછી એક બંધ કરાયા હતા. આ ઉપરાંત વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પણ પાણી ફરી વળતાં જનજીવન પ્રભાવિત થયું છે.