- ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યાં મેઘરાજાની પુનઃ પધરામણી,
- અકાશમાં ઘટાટોપ વાદળો છવાયા,
- ત્રણ દિવસ હળવાથી ભારે વરસાદ પડી શકે છે
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સાગબારા,ઉંમરપાડા, ચુડા, રાણપુર, જસદણ, ભેંસાણ, દસ્ક્રોઈ, કૂકાવાવ વડિયા અને ગીર ગઢડા સહિત તાલુકામાં એકથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યભરમાં આજે સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા હતા. ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે મેઘરાજાએ પુનઃ પધરામણી કરી હતી.
રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદનું યેલો અલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
રાજ્યમાં હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે મેઘરાજાએ ફરીથી રાજ્યમાં મંડાણ કર્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 212 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા સાયક્લોન સર્ક્યુલેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ઘટાટોપ વાદળો છવાઈ ગયા છે અને ધીમીધારે વરસાદ પડ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજકોટમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસ્યો હતો. શહેરના કાલાવડ રોડ, રેસકોર્સ, આજીડેમ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ ભીંજાયા હતા. અંધારપટ્ટ છવાતા વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.