Site icon Revoi.in

ભગવદ ગીતા અને પીએમ મોદીનો ફોટો અંતરિક્ષમાં લઇને જશે નવો ઉપગ્રહ

Social Share

ફેબ્રુઆરીના અંતમાં લોન્ચ થનાર સતિષ ધવન સેટેલાઇટમાં ભગવદ ગીતાની એક કોપી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને 25,000 લોકોનાં નામોને અંતરિક્ષમાં લઇ જવામાં આવશે. આ સેટેલાઇટને પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ સી -51 દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

આ નેનોસેટેલાઇટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમના સ્થાપક પિતામાંના એકના નામ પરથી રાખવામાં આવ્યું છે, અને સ્પેસકિડ્ઝ ઇન્ડિયા દ્વારા તેને વિકસિત કરવામાં આવ્યું છે. સ્પેસકીડ્ઝએ એક સંસ્થા છે, જે વિદ્યાર્થીઓ વચ્ચે અંતરિક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ સેટેલાઇટમાં ત્રણ વૈજ્ઞાનિક પેલોડ પણ લઇ જવામાં આવશે. આમાંના એકમાં અંતરિક્ષ કિરણોત્સર્ગનો અભ્યાસ કરવા,એક મેગ્નેટોસ્ફિયરનો અભ્યાસ કરવા અને એક ઓછા પાવરવાળા ક્ષેત્રના સંચાર નેટવર્કનું પ્રદર્શન કરશે.

સ્પેસકિડઝ ઇન્ડિયાના સ્થાપક અને સીઇઓ ડો.શ્રીમથિ કેસને કહ્યું કે, હાલમાં ગ્રુપમાં ભારે ઉત્તેજના છે. અંતરિક્ષમાં જનારો આ તેમનો પ્રથમ ઉપગ્રહ હશે. જ્યારે અમે મિશનને અંતિમ સ્વરૂપ આપ્યું,ત્યારે અમે લોકોને તેમના નામો મોકલવા કહ્યું. જે અંતરિક્ષમાં મોકલવામાં આવશે. એક અઠવાડિયામાં અમને 25,000 અરજીઓ મળી. આમાંથી 1000 નામ ભારતની બહારના લોકોનાં હતાં.

આ સાથે જ કેશને એમ પણ કહ્યું કે, તેમણે સેટેલાઇટમાં ભગવદ ગીતા મોકલવાનું કેમ નક્કી કર્યું ? તેણે કહ્યું કે, બીજા સ્પેસ મિશનને ધ્યાનમાં રાખીને તેને આ નિર્ણય લીધો છે, જે પોતાની સાથે બાઇબલ લઇને જતા હોય છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, તેમનો ઉપગ્રહ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપશે, કારણ કે તે ભારતમાં સંપૂર્ણ વિકાસ થયો છે. તેથી તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેસને કહ્યું છે કે, આ સેટેલાઇટમાં ઇસરો દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. આ પરિવર્તન બાદ રવિવારે શ્રીહરિકોટાથી ઉપગ્રહ શરૂ કરવામાં આવશે. એવામાં છેલ્લી ક્ષણે તૈયારીઓ ચાલી રહી છે.

-દેવાંશી