- બાળકોને પ્રાચીન ભારત વિશે ભણાવવાનો નિર્ણય
- 100 થી વધુ મદરેસામાં ગીતા-રામાયણનો અભ્યાસ
- એનઆઇઓએસએ તેના સિલેબસમાં કર્યું સામેલ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગે 100 થી વધુ મદરેસામાં બાળકોને પ્રાચીન ભારત વિશે ભણાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત એનઆઇઓએસ મદરસોમાં ગીતા અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથો લઇને જશે. ખરેખર નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ત્રીજા, પાંચમા અને આઠમા વર્ગના બાળકો માટે બેઝીક કોર્સ શરૂ કરવામાં આવશે.
એનઆઇઓએસના અધ્યક્ષ સરોજ શર્માએ જણાવ્યું છે કે, અમે હમણાં જ 100 મદરેસાથી પ્રારંભ કરી રહ્યા છીએ, બાદમાં અમે આ કોર્સને 500 મદરેસા સુધી લઇ જઈશું. અહેવાલ મુજબ, એનઆઇઓએસએ ભારતીય જાહેર પરંપરાને લગતા 15 કોર્સ તૈયાર કર્યા છે.જેમાં વેદ, યોગ, સાયન્સ સંસ્કૃત ભાષા, રામાયણ અને ગીતા શીખવવામાં આવશે.
આ અગાઉ મંગળવારે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલે એનઆઇઓએસના હેડ ક્વાર્ટર્સમાં અભ્યાસ સામગ્રીનું વિમોચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત પ્રાચીન સંસ્કૃતિથી સંબંધિત જ્ઞાનનું પાવર હાઉસ છે. અમે આ શિક્ષણનો લાભ મદરેસા અને વિશ્વભરના ભારતીય સમુદાયોમાં લઇ જઈશું.
એનઆઇઓએસ એ બે રાષ્ટ્રીય બોર્ડમાંથી એક છે, જે પ્રાઇમરી, સેકેન્ડરી અને સીનીયર સેકેન્ડરી સ્તરના કોર્સ ઓપન અને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા કરાવે છે. બાળકોને તેના યોગ અભ્યાસક્રમની સામગ્રીમાં પતંજલિ કૃતસૂત્ર,યોગસુત્ર વ્યાયામ,સૂર્ય નમસ્કાર, આસનો, પ્રાણાયામ, તણાવથી મુક્તિ આપનાર વ્યાયામ અને યાદ શક્તિ વધારનાર શિક્ષા સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ફરજિયાત રહેશે નહીં. ઓપન એજ્યુકેશન સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓ તેને પસંદ કરી શકશે.
-દેવાંશી