ભજનલાલ શર્માએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા,દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા હશે ડેપ્યુટી સીએમ
દિલ્હી: ભજન લાલ શર્માએ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ત્રણેય નેતાઓને શપથ લેવડાવ્યા હતા. જો કે આ ત્રણ નેતાઓ સિવાય અન્ય કોઈએ શપથ લીધા નથી. અગાઉ સમાચાર આવ્યા હતા કે સાંજ સુધીમાં કેટલાક કેબિનેટ સ્તરના મંત્રી બનાવવામાં આવી શકે છે. તેઓ સાંજે રાજભવનમાં શપથ લેવાના હતા. પરંતુ બાદમાં આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ભજન લાલ શર્માના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુનરામ મેઘવાલ સહિત ઘણા મંત્રીઓએ પણ હાજરી આપી હતી. આ ઉપરાંત ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ, હરિયાણાના મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મોહન યાદવ, છત્તીસગઢના વિષ્ણુદેવ સાય, મહારાષ્ટ્રના એકનાથ શિંદે, અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ, આસામના હિમંતા બિસ્વા સરમા, ગોવાના પ્રમોદ સાવત અને ત્રિપુરાના મણિક સાહાનો સમાવેશ થાય છે.આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદ માટે ઘણા મોટા નેતાઓના નામ ચાલી રહ્યા હતા. આ રેસમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, સાંસદમાંથી ધારાસભ્ય બનેલા રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને બાલકનાથ યોગીનું નામ ચાલી રહ્યું હતું. ભજનલાલ શર્માને સીએમ બનાવવામાં આવશે તેવો અંદાજ પણ કોઈને નહોતો. 12 ડિસેમ્બરે જ્યારે વસુંધરા રાજેએ સ્લિપ ખોલીને ભજન લાલના નામની જાહેરાત કરી તો બધાને આશ્ચર્ય થયું.
ભજન લાલ વર્ષ 2021 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની નજરમાં આવ્યા હતા. ભજનલાલે 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહના સહાયક તરીકે કામ કર્યું હતું. ત્યારથી ભજનલાલ અમિત શાહની કોર ટીમમાં જોડાયા હતા. તેમની કાર્યશૈલી અને સંગઠન પ્રત્યેની વફાદારી જોઈને હાઈકમાન્ડે અન્ય મોટા નામોને બદલે ભજન લાલ શર્માના નામને મંજૂરી આપી.