Site icon Revoi.in

રાજસ્થાનમાં આજે CM પદના શપથ લેશે ભજનલાલ શર્મા, PM મોદી સહિત આ નેતાઓ આપશે હાજરી

Social Share

જયપુર: ભજનલાલ શર્મા આજે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ ઐતિહાસિક અલ્બર્ટ હોલની બહાર યોજાશે. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે. આજે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે.

મળતી માહિતી મુજબ, ભજનલાલ શર્મા બપોરે 12 વાગ્યે સીએમ પદના શપથ લેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવશે. તેમજ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા છે. પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, આ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. આ સમારોહમાં વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ, છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાય પણ ભાગ લઈ શકે છે.સમારોહ પહેલા રાજધાનીના મુખ્ય માર્ગો અને પ્રવેશ માર્ગોને શણગારવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને લગતા પોસ્ટર અને બેનરો સહિત ભાજપના ઝંડા અને હોર્ડિંગ કટઆઉટ પણ લગાવવામાં આવ્યા છે.

મંગળવારે બીજેપી વિધાયક દળની બેઠક યોજાઈ હતી જેમાં ભજન લાલ શર્માને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પાર્ટી વતી ધારાસભ્યો દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે અને વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 200માંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 115 બેઠકો મળી છે. કરણપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી, જ્યાં હવે 5 જાન્યુઆરીએ મતદાન થશે.