નવી દિલ્હીઃ ઓકટોબર મહિનામાં હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં ધુસીને ખુની ખેલ ખેલ્યો હતો. જે બાદ ઈઝરાયલે હમાસ સામે યુદ્ધનો પ્રારંભ કર્યો હતો. હજુ પણ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસને આડકતરી રીતે ઈરાન સમર્થન આપી રહ્યું છે. બીજી તરફ મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંબંધ વધારે તંગ બન્યાં છે. જેથી અમેરિકાના પ્રમુખ જો.બાઈડને ઈઝરાયલ ઉપર ઈરાન હુમલો કરે તેવી આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ ભારત સરકાર પણ સતર્ક બની છે. એર ઈન્ડિયાએ ઈરાનના એરસ્પેસનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. યુરોપ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ઈરાનની એરસ્પેસથી બચીને લાંબા રસ્તે પોતાના નિર્ધારિત સ્થળ પર જાય છે.
એર ફ્રાન્સે ઈરાન જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એર ફ્રાન્સે ઈરાન ઉપરથી ઉડતા વિમાનોના ફ્લાઈટ રૂટ બદલવાનો નિર્ણય કર્યો. એર ફ્રાન્સે ઇઝરાયેલ સાથેના તણાવને કારણે હવે ઈરાન ઉપરથી ઉડાન નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન ઈઝરાયેલ પર મોટો હુમલો કરી શકે છે. ભારત, ફ્રાન્સ, પોલેન્ડ અને રશિયા સહિતના દેશોએ તેમના નાગરિકોને આ પ્રદેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચે સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તે જ સમયે, વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીનું કહેવું છે કે ઈરાન તરફથી ખતરો વાસ્તવિક અને વ્યવહારુ છે.