અમદાવાદઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ ઉપરાંત ભાવનગર શહેરમાં મ્યુનિસિપલ કોરેપોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદરી કરવામાં આવી છે. નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. મેયર તરીકે પસંદગી બાદ ભરત બારડે શહેરમાં વિકાસની યાત્રાને આગળ વધારવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપનું શાસન છે. મનપામાં હોદ્દેદારોની મુદત પૂર્ણ થતા નવા હોદ્દેદારોની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને કોર્પોરેટરો તથા હોદ્દેદારોની સેન્સ લેવામાં આવી હતી. અંતે ભાવનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજુ રાબડીયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં મેયરની પસંદગી મામલે વિવિધ નામ મોખરે હતા. ભરત બારડની ઉપરાંત બાબુ મેરનું નામ નવા મેયર તરીકે ચર્ચા વહેતી થઈ હતી. અંતે ભરત બારડના નામ ઉપર પસંદગી ઉતાકવામાં આવી હતી. રાજુભાઈ રાબડીયાની વરણી ચેરમેન તરીકે કરવામાં આવી હતી, જે વડવા-અ વૉર્ડમાંથી આવે છે. આ ઉપરાંત કિશોરભાઈ ગુરુમુખાણીને શાસક પક્ષના નેતા બનાવાયા છે, જે દક્ષિણ સરદાર નગર વોર્ડમાંથી ચૂંટાયેલા છે. મોનાબેન પારેખને ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે, જેઓ વડવા વોર્ડ નંબર 8માંથી મનપા પહોંચ્યા છે. આ લિસ્ટમાં ઉષાબેન બધેકાને દંડકનુ પદ સોંપવામાં આવ્યુ છે, ઉષાબેન શહેરના વોર્ડ નંબર 12 ઉતર સરદાર નગરમાંથી ચૂંટાયેલા છે.