નવી દિલ્હીઃ ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરને લઈને પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે. પીએમ મોદીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ (PGII) અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોર ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર એન્ડ પાર્ટનરશીપ ફોર ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “મારા મિત્ર રાષ્ટ્રપતિ જો બિડેન સાથે આ ઈવેન્ટની અધ્યક્ષતા કરીને મને ખૂબ જ આનંદ થાય છે. આજે આપણે બધાએ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કરાર પૂર્ણ થતા જોયા છે. આવનારા સમયમાં, ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણ માટે અસરકારક માધ્યમ બનશે. આ સમગ્ર વિશ્વમાં કનેક્ટિવિટી અને વિકાસને ટકાઉ દિશા પ્રદાન કરશે.”
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, આ ખરેખર મોટી વાત છે. હું પીએમનો આભાર માનવા માંગુ છું. એક ધરતી, એક કુટુંબ, એક ભવિષ્ય આ G20 સમિટનું કેન્દ્રબિંદુ છે અને ઘણી રીતે, તે આ ભાગીદારીનું પણ કેન્દ્ર છે જેના વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ. ટકાઉ, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવું જોઈએ. ભારત-મધ્ય-પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોર અને વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે ભાગીદારી કાર્યક્રમને યુએસ પ્રમુખ જો બિડેને ગેમ-ચેન્જર રોકાણ તરીકે ગણાવ્યું હતું.
દરમિયાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે, “આ બેઠકમાં જાહેર કરાયેલી પહેલ અને આર્થિક કોરિડોર પ્રોજેક્ટના એકીકરણની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. હું તે લોકોનો આભાર માનું છું જેમણે અમારી સાથે કામ કર્યું. તેમજ મહત્વપૂર્ણ ઈકોનોમીક કોરિડોરની સ્થાપનામાં મદદ કરી. દરમિયાન ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર પર યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે આ ઐતિહાસિક છે. આ અત્યાર સુધીનું સૌથી સીધું જોડાણ હશે જે વેપારને વેગ આપશે.