રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14મી જાન્યુઆરીથી મણિપુરથી મુંબઈ સુધી ભારત ન્યાય યાત્રા યોજાશે
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત ન્યાય યાત્રા’ યોજાશે. ‘ભારત ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી પ્રારંભ થશે. ભારત ન્યાય યાત્રા 6200 કિલોમીટર લાંબી યાત્રા 14 રાજ્યોમાંથી પસાર થશે. ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ પ્રારંભ થઇ અને મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે.
ગુજરાતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમબંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે. દેશમાં વધી રહેલા આર્થિક અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ભારતના લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત ન્યાય યાત્રા ‘ નું આયોજન કરવામાં આવશે.
તેમણે કહ્યુ હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વ રેકોર્ડ સમાન વિશ્વના કોઈ પણ રાષ્ટ્રીય નેતાએ ના કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટરની સફળ ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી. સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દુર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. ભારત જોડો યાત્રામાં બાળપણની ઇજા હોવા છતાં વેદના સહન કરીને દેશ માં જાત પાત ધર્મ ભાષાથી ફેલાતી નફરતને દુર કરી પ્રેમ નો સંદેશો લઈ ને નીકળ્યા હતા. ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી કાશ્મીરના સમાપન પછી પણ ભારત જોડો યાત્રા ના સંકલ્પ ને આગળ વધારતા દેશ ના અલગ અલગ વર્ગ ના લોકો જોડે તેમની પીડા અને સંઘર્ષમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રક ડ્રાઇવર, કુલી, મજદુરો, ગેરેજ માં મિકેનિક જેવા વર્ગ જોડે સંવાદ કર્યો હતો.(File photo)