અમદાવાદઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ જિલ્લાઓ પણ ફરી રહી છે. આજે વિકસિત ભારત રથ સાણંદ તાલુકાના ચાંગોદર ગામે પહોંચી હતી, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિકસિત ભારતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની આ યાત્રા છે. દેશની આઝાદીને 100 વર્ષ પૂરાં થાય ત્યારે આઝાદી માટે જીવ ન્યોછાવર કરનારાંઓના સ્વપ્નોને સાકાર કરવાનાં છે. આઝાદીના લડવૈયાઓએ માત્ર આઝાદી માટે જ નહિ, પરંતુ સુરક્ષિત અને સમૃદ્ધ ભારત માટે સપનું જોયું હતું. આ સપનાં પૂરાં કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે આખો દેશ આગળ વધી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિને કારણે અત્યારે અર્થતંત્ર તમામ માપદંડો પર ખરું ઊતરી રહ્યું છે. આજે દેશનાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવ્યું છે અને વિકાસ જોવા મળી રહ્યો છે. છેલ્લાં દસ વર્ષમાં દેશમાં જે વિકાસ થયો છે, એવો દુનિયામાં બીજે ક્યાંય જોવા મળ્યો નથી. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ વિકાસ હોય કે સુરક્ષા તમામ મોરચે દેશ સફળતા હાંસલ કરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાને એવા ભારતનું સપનું જોયું છે, જેમાં કોઈ ગરીબ ભૂખ્યા ન સૂવે, દરેકને પાકું ઘર મળે, દરેકના ઘરમાં વીજળી–પાણી, ગેસ સિલિન્ડર તથા શૌચાલય હોય, દેશનું દરેક બાળક ભણતું હોય. ગરીબોને બેઠા કરવાના દરેક પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
પીએમ મોદીનું લક્ષ્ય દેશમાં બે કરોડ લખપતિ દીદી બનાવવાનું છે. આ યોજનાઓ પીએમ મોદીની ગેરન્ટી છે અને યોજના પૂરી થવાની ગેરન્ટી છે. આ યોજનાઓને 100 ટકા લક્ષ્યસિદ્ધિ સુધી પહોંચાડવા માટે તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, એવું જણાવીને કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે દેશના યુવાનોના પાસે અપેક્ષા છે કે તેઓ ભારતને વિકસિત બનાવવા અને આઝાદીનાં 100 વર્ષ પૂરાં થાય ત્યારે દેશને તમામ ક્ષેત્રે નંબર-1 બનાવવા માટે પોતાનું યોગદાન આપે, એવું તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ તથા પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ચાંગોદરના ગ્રામજનોએ વિકસિત ભારત માટે સંકલ્પ લીધા હતા.