લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા
કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે સંબંધીઓ જ પીડિત અને તેમના પરિવાર સાથે અંતર વધારી લે છે ત્યારે ભરતભાઈ આર્થિક રીતે સદ્ધર ન હોવા છતા અડધી રાતે પણ પીડિતોની મદદ માટે અવિરત તૈયાર હોય છે.
કોરોના મહામારીમાં ધનિકોની મોંઘી ગાડીઓ અને બેંક બેલેન્સ પણ કોરોના પીડિત પોતાના સ્વજનને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ બન્યાં છે. આ સમયમાં ભરતભાઈ અને તેમના જેવા સેવાભાવી સજ્જનો જીવની ચિંતા કર્યા વિના અથાશક્તિ સેવાઓ કરી રહ્યાં છે.
- દીકરી બીમાર પડતા જીવનમાં આવ્યો બદલાવ
ભરતભાઈએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા મારી દીકરી ક્રીષ્કાના લ્બડમાં પોઈઝન થઈ ગયું હતું ત્યારે તબીબોએ હાથ અદ્ધર કરી લીધા હતા. આ જ સમયે હું અને મારો પરિવાર હિંમત હાર્યો ન હતો. દીકરી સાજી થયા બાદ મે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોને મેડિકલનો સામાન પુરો પાડવા માટે સંકલ્ય લીધો હતો.
- બીમાર લોકોની સેવાનો લીધો સંકલ્પ
તેમણે વધુમાં કહ્યું કે, મારા સંકલ્પ વિશે પરિચીત પરાગભાઈ નાઈકને વાત કરી હતી. જેથી તેમણે દદીઁ સાધન સેવા કેન્દ્ર નામનું ટ્રસ્ટ ઊભુ કર્યું હતું. એટલું જ નહીં વોટરબેડ, ઓક્સિજન મશીન, વોકર જેવા સાધનો પણ ભરતભાઈને આપ્યાં હતા. અહીંથી લોકોની સેવાનો યજ્ઞ શરૂ કર્યો હતો. જે આજે પાંચ વર્ષથી સતત ચાલી રહ્યો છે.
- કોરોના કાળમાં રોજના 300 ફોન કોલ
તેમણે કહ્યું કે, અત્યારે કોરોના મહામારીમાં ઓક્સિજન સહિતના મેડિકલ સાધનો માટે રોજના 300થી વધારે ફોન કોલ આવે છે. મારાથી થતી તમામ સેવા કરું છું. જ્યાં હું તેમને મદદ કરવા અસમર્થ હોવ ત્યાં ક્યાંથી મદદ મળશે તેની વ્યવસ્થા પણ કરી આપું છું. હાલ મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન સિલિન્ડર માટે ફોન કરે છે. રાતના 3 વાગ્યા સુધી ઓક્સિજન સિલિન્ડર સહિતની સેવા પુરીને ઘરે પહોંચું છું. માત્ર 3 કલાકની ઊંઘ લીધા બાદ ફરીથી નિયમ અનુસાર લોકોની જરૂરિયાત અનુસાર મેડિકલ સાધનો પહોંચતા કરું છું.
- લોકોએ પણ ભરતભાઈની સેવાને બિરદાવી
ભરતભાઈ પહેલા લોકોને સાઈકલ ઉપર ઓક્સિજન સહિતના મેડિકલ સાધનો આપવા જતા હતા. જો કે, ઝડપથી દર્દીઓ પાસે મેડિકલ સાધન પહોંચે તેવા શુભ આશયથી ભરતભાઈને એક સેવાભાવીએ મોટરસાઈકલ આપી હતી. જો કે, મોટરસાઈકલ ઉપર પણ ઓક્સિજનની બોટલ લઈ જવામાં સમસ્યાઓ ઊભી થતા તેઓ સાઈકલ ઉપર જ ફરતા હતા. દરમિયાન બ્રિજેશભાઈ નામના એક સજ્જનને તેમને સ્કુટર આપ્યું હતું.
- પરિવારજનોનો ભરતભાઈને સહયોગ
ભરતભાઈ આખો દિવસ લોકોની સેવા કરતા તૈયાર કરે છે. તેમજ ટ્રસ્ટ તેમને પગાર પેટે રૂ. 5 હજાર જેટલી રમક આપે છે. જો કે, આ રકમ પણ લોકોની સેવા પાછળ ખર્ચાઈ જાય છે. પરિવારજનો પણ ભરતભાઈને માનવસેવાની કામગીરીમાં પ્રોત્સાહન પુરુ પાડે છે. જેથી વૃદ્ધ પિતા પણ ઘરમાં આર્થિક મુશ્કેલી ઊભી ના થાય તે માટે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. એટલું જ નહીં ભરતભાઈના પત્ની પણ નાના-મોટા કામ કરીને ઘરમાં આર્થિક મદદ કરે છે.
- 20 વર્ષ પહેલા મહેસાણાથી આવ્યા અમદાવાદ
ભરતભાઈએ કહ્યું હતું કે, 20 વર્ષ પહેલા મહેસાણાના વિસનગરથી અમદાવાદમાં આવ્યો હતો. પહેલા ફુટપાથ ઉપર રહેતો હતો. 10 વર્ષ પહેલા જ માતા-પિતાને અને પત્નીને અમદાવાદ લાવ્યો હતો. હાલ અમરાઈવાડીમાં એક મકાન ભાડે રાખીને માતા-પિતા, બે સંતાનો અને પત્ની સાથે રહું છું.
- બાળકો પણ પોતાની જેમ લોકસેવા કરે તેવી ભરતભાઈની ઈચ્છા
ભરતભાઈએ જણાવ્યું હતું કે, લોકોએ પોતાનો સ્વાર્થ છોડીને જરૂરીયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી જોઈએ. મૃત્યુ પછી આપણી સાથે ધન-દોલત નહીં પરંતુ આપણે કરેલા કાર્યો જ સાથે આવવાના છે. કોરોના કાળમાં મે ધનિકોને પણ ઓક્સિજન માટે આજીજી કરતા જોયા છે. મારા સંતાનો પણ મોટા થઈને સમાજમાં સારા માણસ બને અને લોકોની સેવા કરે તેવી જ ઈચ્છા છે.
અમરાઈવાડી અને આસપાસના વિસ્તારમાં ભરતભાઈ લેઉવાને લોકો સારી રીતે ઓળખે છે અને અન્ય વિસ્તારમાં જ્યારે લોકોને મેડિકલ સામાનની જરૂર હોય ત્યારે તેઓ ભરતભાઈનો મોબાઈલ નંબર આપીને સંપર્ક કરવા સૂચન કરે છે. કોરોનાકાળમાં દેવદૂત બનીને લોકોની સેવા કરતા ભરતભાઈના આ કામની નોંધ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી અનિલ જોધાણી તથા સ્થાનિક આગેવાનોએ પણ લીધી છે. ભરતભાઈએ છેલ્લા દોઢ વર્ષમાં 1500 કરતા વધારે દદીઁઓને વોટરબેડ, ઓકસીજન મશીન, વોકર જેવા સાધનો પુરા પાડ્યાં છે.
(નોંધઃ અમદાવાદ શહેરમાં કોરોના મહામારીમાં ઓક્સિજન સહિતની સામગ્રીની જરૂર હોય તો દર્દીના પરિવારજનો ભરતભાઈ લેઉવાને મોબાઈલ નંબર 7041487148 ઉપર સંપર્ક કરીને મદદ મેળવી શકે છે.)