બનાસકાંઠામાં માવઠાથી અસરગ્રસ્ત ખેડુતોને વળતર નહીં મળે તો ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે
પાલનપુરઃ બનાસકાંઠામાં બે-અઢી મહિના પહેલા યાને ગત તા. 27મી નવેમ્બરના રોજ પડેલા માવઠાને કારણે કૃષિપાકને સારુએવું નુકશાન થયું હતું. જેમાં સૌથી વધુ એરંડાનો પાક માવઠાને લીધે નાશ પામ્યો હતો. તત્કાલિન સમયે સરકારે સર્વે કરાવીને ખેડુતોને વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરાવીને મામુલી વળતરની ઓફર કરવામાં આવી છે. જેની સામે ખેડુતોમાં અસંતોષ ઊભો થયો છે. ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને એવી ચીમકી આપી છે. કે, જો સરકાર એક માસમાં નવો સર્વે કરી અને સહાય નહીં ચૂકવે આંદોલન કરાશે.
બનાસકાંઠા જિલ્લામાં ગત તા. 27 નવેમ્બરના રોજ વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. જેમાં ખાસ એરંડા જેવા પાકોમાં ભારે પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયા હતા. વાવાઝોડાના બે દિવસ બાદ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરાવવા માંગ કરી હતી, ત્યાર બાદ સર્વે પણ થયો હતો. પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે, જે અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે, એમાં 33 ટકા થી નીચું નુકસાન દર્શાવ્યું છે. જિલ્લામાં સરેરાશ ખેડૂતોને 70 થી 80 ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે. સરકાર નવેસરથી સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા આંદોલન કરાશે.
જિલ્લાના ખેડુતોના જણાવ્યા મુજબ ગત તા. 27 નવેમ્બરના રોજ બનાસકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લો એ એરંડાની ખેતી કરતો જિલ્લો છે. વાવાઝોડાના કારણે એરંડાના પાક જમીન દસ્ત થઈ ગયો હતો. ખેડુતોને સારૂએવું નુકશાન થયું હતું. આથી તત્કાલીન સમયે ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી હતી જે આધારે સર્વે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ ખોટી રીતે આંકડા જાહેર કરી અને 33 ટકાથી ઓછું નુકસાન દર્શાવ્યું છે. જિલ્લામાં ખેડૂતોને 70 થી 80 ટકા એરંડાના પાકમાં નુકસાન છે, જે આંકડા મૂકવામાં આવ્યા છે તે ખોટા છે. હજુ સુધી સમય છે કે નવો સર્વે કરાવે. ખેતરમાં જઈને સ્થિતિ જોઈ શકે છે, સરકાર પરિસ્થિતિ જોઈ સાચો ન્યાય આપે નહિતર આવનારા સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલન છેડશે. (file photo)