- ભારતના ઈન્ટરનેટનો થશે સદઉપયોગ
- ભારતનેટ પ્રોજેક્ટને મળી મંજૂરી
- 3.60 લાખ ગ્રામપંચાયતો ઈન્ટરનેટથી જોડાશે
નવી દિલ્લી: વિશ્વમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા દેશોની યાદી બનાવવામાં આવે તો તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં દેશના તમામ રાજ્યોના ગામડા સુધી ઈન્ટરનેટની સુવિધા પહોંચે તે માટે સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે ગ્રામપંચાયતોને પણ ઈન્ટરનેટ સાથે જોડી શકાય તેવું પગલુ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બુધવારે કેબિનેટ બેઠક મળી હતી. તેમાં દેશના 16 રાજ્યોમાં સરકારી અને ખાનગી ભાગીદારી(પીપીપી મોડેલ)ના માધ્યમથી ભારતનેટ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. વિશ્વના સૌથી મોટા બ્રોડબેન્ડ પ્રોજેક્ટ તરીકે ગણાવાઈ રહેલા આ પ્રોજેક્ટ હેઠળ દેશના 16 રાજ્યોની કુલ 3.60 લાખ ગ્રામ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કની સુવિધા પ્રદાન કરાશે.
કુલ રૂ. 29 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં સરકાર રૂ. 19,041 કરોડ ઉપલબ્ધ બનાવશે. સરકાર આ યોજના માટે અગાઉ રૂ. 42 હજાર કરોડની ફાળવણી કરી ચૂકી છે. ભારતનેટ યોજનામાં સામેલ કરાયેલા રાજ્યોમાં કેરળ, કર્ણાટક, રાજસ્થાન, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
નવતર યોજનામાં લગભગ 3.61 લાખ ગામડાઓને આવરી લેવાશે. મંત્રીમંડળે બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ ગ્રામીણ વસાહતોને આવરી લેવા ભારતનેટની સુવિધા લંબાવવાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી.
જો કે મહત્વની વાત એ પણ છે કે ઈન્ટરનેટના વિકાસથી દેશમાં અન્ય ફાયદાઓ પણ જોવા મળી રહ્યા છે. કોરોનાકાળમાં ઈન્ટરનેટની સુવિધાના કારણે લોકોને ઘરે કામ કરવામાં પણ એટલી તકલીફ પડી નથી. ઈન્ટરનેટનો દેશમાં સારો વ્યાપ દેશના વિકાસમાં પણ સારી ભૂમિકા ભજવી શકે તેમ છે અને તેના કારણે દેશના અનેક ક્ષેત્રોને લાભ પણ થાય છે.