અમદાવાદઃ રાજ્યના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભરૂચના જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એક જર્જરિત સ્કૂલના સ્લેબનો પોપડો તુટીને પડતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવમાં લગભગ 8 જેટલી વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ બનાવની જાણ થતા શિક્ષણ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયાં છે. બીજી તરફ આ સ્કૂલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગણી ઉઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેત્રંગ તાલુકામાં 59 વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચાલુ વર્ગખંડમાં સ્લેબનો પોપડો તૂટી પડયો હતો અને તેનો કાળમાટ ક્લાસરૂમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓ ઉપર પડ્યો હતો. આ બનાવને પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં ધો-10ના આઠેક વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. આ ઘટનાને લઈ અન્ય વિધાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. વાલીઓ પણ બાળકોની સલામતીની ચિંતામાં શાળાએ દોડી ગયા હતા. આ ઉચ્ચતર માધ્યમિક શાળાની વર્ષ 1964 માં સ્થપના કરાઈ હતી. શાળા 59 વર્ષમાં સમારકામ અને સારસંભાળના અભાવે જર્જરિત અને જોખમી બની ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને પ્રારંભે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાઈ હતી. જ્યાં 3-4 ને વધુ ઇજા હોવાથી આ છાત્રાઓને અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવને પગલે સ્થળ પર સ્થાનિક આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સ્થિતિનો ચિતાર મેળવી શાળાના નવા બિલ્ડિંગના નિર્માણ માટે પ્રયત્ન હાથ ધરવાની ખાતરી અપાઈ હતી.
આ ઘટનામાં કિંજલ ધીરુભાઈ વસાવા, રોશની જીતેન્દ્રભાઈ વસાવા, જિનલ ભરતભાઈ વસાવા, વૈશાલી રાજેશભાઈ વસાવા, તન્વી વસાવા, સેજલ વસાવા, જ્યોતિકા વસાવા અને કૌશલ્યા વસાવાને ઈજા થઈ હતી.