ભરૂચઃ દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરીને ઔદ્યોગિક એકમોને પુરુ પડાશે, દેશના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ
અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.881 કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી.ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, રાજ્ય સરકાર વિવિધ સ્ટાર્ટ અપ પોલિસી, ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી, ઇલેક્ટ્રોનિક અને એરોસ્પેસ પોલિસી, સોલાર પોલિસી, ગારમેન્ટ-એપેરલ, ડિફેન્સ અને આઈ.ટી. પોલિસી ઘડીને તેના અસરકારક અમલીકરણ થકી વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઔદ્યોગિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ઉપયોગયુકત બનાવવા દહેજમાં 100 MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ નિર્માણ એ રાજ્ય સરકારની આગવી સિદ્ધિ છે. રાજ્યનો છેવાડાનો માનવી કે રાજ્યના વિકાસમાં ભાગીદાર નાના મોટા ઉદ્યોગકારો હોય, સૌને સ્વચ્છ, શુદ્ધ પાણી મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નાશીલ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સાણંદ ખાતે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ, ભરૂચ ખાતે બલ્ક ટ્રક પ્રોજેક્ટ, ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસીસ પાર્ક અને અમદાવાદમાં મલ્ટીમોડેલ લોજીસ્ટીક પાર્ક વિકસાવવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વિકાસમાં યશકલગી સમાન બનશે.
ઉદ્યોગ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)એ જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં પાંચ ટોપ રાજ્યોમાં રોજગારી, ઉદ્યોગીકરણ અને વિકાસમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. આત્મનિર્ભર ભારતની વિભાવનાને પાણીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની દહેજ ઔદ્યોગિક વસાહતે સાકાર કરી છે.