ભરૂચઃ નગર સેવા સદનનું બીલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું
અમદાવાદઃ ગુજરાતમાં વીજ કંપનીએ વીજ ચોરી અટકાવવાની સાથે બાકી બીલની ઉઘરાણી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભરૂચ નગર સેવા સદન કચેરીનું બિલ બાકી હોવાથી વીજ કંપનીએ વીજ જોડાણ કાપી નાખ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં સ્ટીટ લાઈટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં છે. ભરૂચ નગર સેવા સદન કચેરીનું વીજ જોડાણ કપાતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. તેમજ બાકી બિલ ભરપાઈ કરવાની સાથે વીજ જોડાણ પુનઃ કાર્યરત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ભરૂચમાં નગર સેવા સદન કચેરીનું વીજ કનેક્શન વીજ કંપનીએ કાપી નાખ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં બાકી બીલના મામલે સ્ટીટ લાઈટનું કનેક્શન પણ કાપી નાખ્યું છે. આ મામલે નગરપાલિકાના વિપક્ષ દ્વારા વહીવટી તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, વીજ કંપનીએ બાકી વીજ બિલ મામલે પાંચ મહિના પછી ફરી એકવાર કાર્યવાહી કરી છે. લગભગ રૂ. પાંચ કરોડનું વીજ બિલ બાકી છે. તંત્રની બેદરકારીને પગલે વીજ કનેક્શન કપાયું છે.
નગરપાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, કચેરીમાં વીજ કનેક્શન પુનઃ સ્થાપિક કરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ચાલુ મહિનાનું વીજ બિલ લગભગ 31 લાખ રૂપિયાનું છે. જ્યારે જુનુ વીજ બિલ લગભગ રૂ. 60 લાખ જેટલું છે. વીજ કંપનીનું લાઈટ બિલ જમા કરાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે અને ટુંક સમયમાં જ ફરીથી વીજ પુરવઠો યથાવત થઈ જશે.