માઘવપુરનો ભાતીગળ મેળો 17મી એપ્રિલથી યોજાશે, શ્રીકૃષ્ણ-રૂકમણી વિવાહની તડામાર તૈયારીઓ
પોરબંદરઃ શ્રીકૃષ્ણ અને રૂકમણીના લગ્ન થયા હતા. તે ઐતિહાસિક સ્થળ માધવપુર ઘેડ પોરબંદર જિલ્લામાં આવેલું છે. અને વર્ષોથી પરંપરાગતરીતે પાંચ દિવસનો ભાતીગળ મેળો ભરાય છે. આ વખતે માધવપુર ગામે તા.17થી 21 એપ્રિલ દરમિયાન ભવ્ય ભાતીગળ મેળો યોજાશે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણિના વિવાહના વિવિધ ધાર્મિક પ્રસંગોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
માધવપુરમાં તા. 17મી એપ્રિલ એટલે કે રામનવમીથી 21 એપ્રિલ સુધી શ્રીકૃષ્ણ અને રુકમણિના વિવાહની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરાશે. ગામ-પરગામથી મોટી સંખ્યામાં ભાવિકો માધવરાયના વિવાહમાં સહભાગી થવા ઉમટી પડશે.
પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ)અનુપમ કુદરતી સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ હોવા ઉપરાંત એક પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા જેવું સાગરકાંઠાનું અલૌકિક સૌદર્ય માધવપુરમાં જોવા મળે છે. પોરબંદરથી વેરાવળ જતા કોસ્ટલ હાઈવે ઉપર માધવપુર(ઘેડ) 60 કિમીના અંતરે આવેલું છે. આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણિના વિવાહ થયા હતા. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાનના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ 5 દિવસ ભવ્ય ભાતીગળ મેળો દર વર્ષે યોજાય છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ભાતીગળ મેળામાં દેશ વિદેશથી અનેક લોકો આવશે. જેમાં માધવરાય અને રુક્મણિનો વિવાહ પ્રસંગ ખાસ હોય છે. માધવરાય-રુક્મણિનો વિવાહ પ્રસંગ વિશે માધવરાય મંદિરના મુખિયાજી રુચિર સેવકે જણાવ્યું હતું કે, માધવપુરમાં રામનવમીથી અગિયારસ સુધી માધવરાયના નિજ મંદિરથી બ્રહ્મ કુંડ સુધી વિશેષ રથમાં રાતે 9 કલાકે માધવરાયની વરણાગી નીકળે છે. જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને દાંડિયા રાસ દ્વારા આનંદ ઉત્સવ ઉજવે છે. બારસના દિવસે બપોરે 3 કલાકે માધવરાયની જાન નીકળે છે. જેમાં ભગવાન રથમાં બિરાજે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાય છે. ધામધૂમથી માધવરાયનો રથ મધુવન સુધી પહોંચે છે અને રુક્મણિ મંદિરે ચોરી માયરા ખાતે લગ્ન પ્રસંગ પણ યોજાય છે. માધવપુર પ્રભુના લગનોત્સવનો માહોલ આનંદમય બની જાય છે. પછીના દિવસે યુગલ સ્વરૂપે માધવપુરમાં માધવરાય અને રૂકમણિ રથમાં બિરાજ માન થાય છે અને માધવપુરની શેરીમાં ઢોલ અને શરણાઈના તાલે રાસની રમઝટ બોલાવતા ભક્તો ગુલાલથી તરબોળ થઈને ફુલેકાનો લ્હાવો માણે છે. આ ફુલેકુ નિહાળવા ભકતોની લાંબી કતારો માધવપુરની નાનકડી શેરીઓની બન્ને બાજુ આતુરતા પૂર્વક ઝાંઝ-પખાજ સાથે છંદ -ભજન તેમજ માધવરાયનો જયકારો બોલાવે છે.
માધવપુરના 5 દિવસના મેળાની રાષ્ટ્રીય કક્ષાના મેળા સ્વરૂપે ઉજવણી કરવામાં આવશે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેળાના સ્થળે મોટો ડોમ બનાવવામાં આવ્યો છે. તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર સહિતના રાજ્યોમાંથી કલાકારો કલાના કામણ પાથરશે. આ ઉપરાંત વિવિધ સ્ટોલની પણ સગવડ ઊભી કરાશે. આ તૈયારી માટે વહીવટી તંત્ર દ્વારા 29 જેટલી સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય, પાણી, ફૂડ, નાણાકીય, વ્યવસ્થાપન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે જેવી સમિતિઓનું નિમાઈ છે. ગુજરાત પવિત્ર ધામ વિકાસ બોર્ડ તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા પણ વહીવટી તંત્રને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. (File photo)