પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા ભાવિના પટેલને ઊમિયા સંસ્થાન દ્વારા સવા લાખનો પુરસ્કાર અપાશે
મહેસાણાઃ વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલે ટોકયો ખાતે પેરા ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં તાજેતરમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર દેશની સાથે પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. જેને પગલે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભાવિના પટેલને રૂ.1.25 લાખનું રોકડનું ઈનામ તેમજ શ્રી ઉમિયા ચંદ્રક આપીને સન્માનિત કરાશે.
ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ(મમ્મી) અને મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી)એ જણાવ્યું હતું. કે, જાપાનના ટોકયો ખાતે પેરાલિમ્પિકમાં ભાગ લેવા ગઈ તે અગાઉ ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારોએ ભાવિના પટેલને માતાજીનો ફોટો, ખેસ અને પ્રસાદ આપી ટેબલ ટેનિસની રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉમિયા માતાજીના આશીર્વાદ અને ભાવિના પટેલની સખત મહેનતથી સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. ઉમિયા માતાજી સંસ્થાન તરફથી ઉમિયા માતાજીના આશીર્વાદરૂપે ભાવિના પટેલને શ્રી ઉમિયા ચંદ્રક અને રૂપિયા 1.25 લાખની રકમથી સન્માનિત કરાશે. ગુજરાતની દીકરી ભાવિના પટેલે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકારે પણ રૂપિયા 3 કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાવિનાને અભિનંદન આપ્યા હતા. ઊંઝાના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રૂપિયા સવા લાખનો પુરસ્કાર અને ઊમિયા ચંદ્રક આપીને ભાવિનાનું સન્માન કરાશે. ભાવિનાને સિલ્વર મેડલ મળ્યો ત્યારે ભાવિનાના વતન એવા વડનગરના સુંઢિયા ગામે સમગ્ર ગ્રામજનોએ હર્ષવિભોર બનીને ઊજવણી કરી હતી.