અમદાવાદઃ ગુજરાતમાં શિયાળામાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે. ભાવનગરમાં દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી મહેમાનગતિ માણવા આવે છે જેથી દેશ અને વિદેશમાંથી આવતા આ વિવિધ પક્ષીઓને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
ભાવનગરમાં દર વર્ષે શિયાળામાં ના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ ભાવનગરની મહેમાનગતિ માણવા આવે છે. હેરિયર કુળના પક્ષીઓ મુખ્યત્વે ત્રણ જાતિના હોય છે જેમાં પેલીડ હેરિયર, મોન્ટેગસ હેરિયર અને માર્શ હેરિયરનો અને હેરોનરી કુળમાં વિવિધ જાતિના બગલાઓ જેવા કે પેઈન્ટેડ સ્ટોર્ક, લીટલ ઇગ્રેટ, ગ્રેટર ઇગ્રેટ, આઇબીસ જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં ખાસ કરીને દરિયાકાંઠા અને કુંભારવાડા ખાર વિસ્તાર, નારીરોડ, રુવા રવેચી તળાવ. એરપોર્ટ ખાર વિસ્તાર પરના નાના જળાશયોની આસપાસ વિદેશી પક્ષીઓ મહેમાન ગતિ માણે છે.
યુરોપિયન દેશોમાં શિયાળામાં કાતિલ ઠંડી પડતી હોય વિવિધ જાતિના યાયાવર પક્ષીઓ હિમાલયની પર્વતમાળા ઓળંગી ભારતના અનેક વિસ્તારોમાં આવી પહોંચે છે. આ પક્ષીઓ વિદેશમાંથી સામુહિક ઉડાન ભરી આપમેળે દેશના વિવિધ વિસ્તારોમાં પહોચે છે. ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવની આજુબાજુના પીલગાર્ડન, મહિલાબાગ, ટાઉનહોલ સહિતના વિસ્તારના મહાકાય વૃક્ષો પર આ પક્ષીઓ પોતાનું નિવાસસ્થાન બનાવે છે. અહી વૃક્ષો પર માળા બનાવી તેમાં ઈંડા મૂકી સેવન કરે છે અને બચ્ચા મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરે છે.
યુરોપની કાતિલ ઠંડીથી બચવા ભારતમાં અને ખાસ ભાવનગરની મહેમાનગતિ માણવા માટે આવી પહોચતા વિવિધ પ્રજાતિના વિદેશી પક્ષીઓ તેમજ સ્થાનિક પક્ષીઓને નિહાળવા પક્ષી પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
(PHOTO-FILE)