અમદાવાદઃ ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન આગામી તા. 28મી એપ્રિલ સુધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે, સાબરમતી રેલવે સ્ટેશન સુધી જશે નહી. અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામ માટેના બ્લોકને કારણે ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ રહેશે. ભાવનગર રેલ્વે મંડલના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેન 22.04.2023 થી 28.04.2023 સુધી ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ સ્ટેશન સુધી ચાલશે અને ગાંધીગ્રામ-સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા બોટાદ, ધંધુકાથી ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવ્યા બાદ આ ટ્રેનને સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. સાબરમતી રેલવે સ્ટેશન પર એન્જિનિયરિંગ બ્લેકને કારણે આ ટ્રેન ગઈ કાલ તા.22મીથી ગાંઘીગ્રામ રેલવે સ્ટેશન સુધી દોડાવવામાં આવી રહી છે. જે તા.28મી એપ્રિલ સુધી ગાંધીગ્રામ સ્ટેશન સુધી દોડશે. આ ટ્રેન ગાંધીગ્રામથી ભાવનગર પરત ફરશે અને સાબરમતીથી ગાંધીગ્રામ સુધી આંશિક રીતે રદ રહેશે .રેલવે મુસાફરોને આ સુચનાને ધ્યાનમાં લઈને મુસાફરી કરવા રેલવે તેંત્ર દ્વારા વિનંતિ કરવામાં આવી છે. ટ્રેનની નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા અપિલ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ અસુવિધા ન થાય તેમ ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગર-અમદાવાદ વચ્ચે વાયા બોટાદ-ધંધુકાનો શોર્ટ રૂટ્સ હોવા છતાં મોટાભાગની ટ્રેનો વાયા સુરેન્દ્રનગર, વિરમગામથી દોડાવવામાં આવે છે. આ રૂટ્સ પર વધુ સમય લાગતો હોવાથી પુરતો ટ્રાફિક મળતો નથી. તેમજ ભાવનગર-બોટાદ-ધંધુકા શોર્ટ રૂટ પર લાંબા અંતરની ટ્રેનો પણ શરૂ કરવામાં આવતી હોય છે.