ભાવનગરઃ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી. ચેમ્બર્સ દ્વારા પણ અગાઉ આ અંગે રજુઆત કરવામાં આવી હતી. ભાવનગર- સુરેન્દ્રનગર વચ્ચે બ્રોડગેજ મળ્યાને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો હોવા છતા ભાવનગરને દેશના મહત્વના શહેરો સાથે સાંકળતી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવી નથી. તેમજ બોટાદ-અમદાવાદ વચ્ચેની બ્રોડગેજ લાઇન પણ કાર્યરત થઇ ચૂકી છે, તેથી ભાવનગરને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માટે સુગમતા સાંપડી છે. અમદાવાદથી ભાવનગર 4 કલાકમાં વાયા બોટાદ,ધંધુકા થઇને ટ્રેન પહોંચી શકે છે. પરંતુ ભાવનગ જિલ્લાની સબળ નેતાગીરીને અભાવે નવી ટ્રેનોનો લાભ મળતો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરથી બોટાદ અને ધંધુકા-અમદાવાદ વચ્ચે મીટર ગેજનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ માત્ર એકડ ઈન્ટસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ રૂટ્સ પર વધુ ટ્રેનો દોડવવાની માગ ઊઠી છે. અમદાવાદથી લાંબા અંતરની અનેક ટ્રેનો સંચાલિત થાય છે, અને ત્યાં ટ્રેનની રેક રાખવાની પણ સમસ્યાઓ સામે આવી રહી છે. બીજી તરફ અમદાવાદથી દેશના મહત્વના શહેરોને સાંકળતી લાંબા અંતરની ટ્રેનોને ભાવનગર સુધી લંબાવવામાં આવે તો અમદાવાદની સમસ્યા હળવી બની શકે અને ભાવનગરને લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળી શકે તેમ છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર-સુરત વચ્ચે દૈનિક ધોરણે મોટાપ્રમાણમાં ટ્રાફિક રહે છે, આ બે શહેરો વચ્ચે દૈનિક ટ્રેન ફાળવાવમાં આવે અને અનુકુળ સમયે સંચાલિત કરવામાં આવે તો તેને ભાવનગર-બાંદ્રા ટ્રેન જેવી જ સફળતા મળી શકે તેમ છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનને પુરતો ટ્રાફિક મળી રહે છે. રેલવે તંત્રને તેમાં જબ્બર સફળતા મળેલી છે. ભાવનગરથી મુંબઇની વધુ એક દૈનિક ટ્રેન ફાળવવામાં આવે તો તેને પણ સફળતા મળી શકે તેમ છે. આમ, ભાવનગર માટે હકારાત્મક વલણ રાખી અને લાંબા અંતરની ટ્રેનો ફાળવવાની માગ ઊઠી છે. ઉપરાતં જૈન સમાજના પવિત્ર યાત્રાધામ પાલિતાણા ખાતે મુંબઇથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. પાલિતાણાથી સીધી બાંદ્રા (મુંબઇ)ની ટ્રેન દૈનિક ધોરણે ફાળવવામાં આવે તો યાત્રિકોને મુંબઇથી સીધુ પાલિતાણા પહોંચી શકાય, સોનગઢ ઉતરી અને સડકમાર્ગે પાલિતાણા જવા-આવવાની કડાકૂટમાંથી પણ મુક્તિ મળી શકે, તેથી મુંબઇ ટ્રેનની દૈનિકની આવશ્યક્તા છે.