Site icon Revoi.in

ભાવનગર ડમીકાંડ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હાજર ન થતાં પોલીસે ફરી સમન્સ મોકલ્યું

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરલિકની ઘટનાઓ બાદ હવે ડમીકાંડ પ્રકાશમાં આવ્યું છે. આ ડમીકાંડ પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પોલીસે સમન્સ પાઠવીને જવાબ માટે આજે બુધવારે બોલાવ્યા હતા. પણ પોતે બિમાર હોવાનું કહીને યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા નહતા અને 10 દિવસનો સમય માંગ્યો હતો. પોલીસ દ્વારા હવે યુવરાજસિંહને ફરીવાર સમન્સ પાઠવી 21 તારીખે બપોરે 12 વાગ્યે હાજર રહેવા કહેવામાં આવ્યું છે. રેન્જ આઈજી દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી. દરમિયાન ડમીકાંડમાં અડધો ડઝન લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સૌથી ઓછી ઉંમરના આરોપી મિલન બારૈયાની 2012થી ચાલી રહેલા કૌભાંડની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કેટલાંક કલાકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. 19 વર્ષીય મિલને 2020થી 2022 દરમિયાન ડમી તરીકે અનેક ઉમેદવારો માટે ઓછામાં ઓછી સાત જેટલી વિવિધ પરીક્ષાઓ આપી હતી. અને ડમીદીઠ રૂપિયા 25000 લેતો હતો.

ગુજરાતભરમાં ચર્ચા જગાવનારા ભાવનગરના ડમીકાંડથી અનેક યુવાનોએ નોકરીઓ મેળવી લીધી હોવાનું કહેવાય છે. આ કૌભાંડની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. અડધો ડઝન શખસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 19 વર્ષીય મિલને 2020થી 2022 દરમિયાન ડમી તરીકે અનેક ઉમેદવારો માટે ઓછામાં ઓછી સાત જેટલી વિવિધ પરીક્ષાઓ આપી હતી. આ રીતે તે જ્યારે લગભગ 16 વર્ષનો હતો ત્યારથી આ રેકેટમાં સામેલ થયો હતો. આરોપી મિલન બારૈયા મૂળ ભાવનગરના સરતનપર ગામનો રહેવાસી છે અને તેણે સ્કૂલ ટિચર દશરથના દીકરા દેવર્ષી માટે એક ડમી ઉમેદવાર તરીકે પહેલી પરીક્ષા આપી હતી. જે મુખ્ય આરોપી શરદ પનોતનો ફ્રેન્ડ છે. તેણે ભાવનગરની સ્વામી વિદ્યામંદિર પરીક્ષા કેન્દ્રમાં શિક્ષકના દીકરા માટે ધોરણ 12મી ફિઝિક્સની પરીક્ષા આપી હતી. આરોપી શરદ પનોતે દશરથને કહ્યું હતું કે, મિલન ફિઝિક્સમાં ખૂબ જ હોંશિયાર છે. દેવર્ષી હાલ ફિલિપાઈન્સમાં મેડિસિનનો અભ્યાસ કરે છે અને પોલીસ આ મામલે માહિતી એકત્રિત કરી રહી છે. જ્યારે તેના પિતા દશરથ વેળાવદરમાં આવેલી ગર્વમેન્ટ સ્કૂલમાં ફરજ બજાવતા હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કૌભાંડને પ્રકાશમાં લાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને પોલીસે સમ્નસ પાઠવીને જવાબ રજુ કરવા બોલાવ્યો હતો, પણ યુવરાજસિંહ હાજર થયા નહતા. અને પોતાને ડી-હાઈડ્રેશન થયું હોવાથી 10 દિવસનો સમય માગવામાં આવ્યો છે, યુવરાજસિંહને ડર છે. કે,પોલીસ પોતાને જ આરોપી બનાવી દેશે.