ભાવનગરઃ શહેરમાં પ્રવેશવાના મુખ્ય રોડ પર વર્ષોથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે તે કોઈ કહી શકતું નથી. કોંગ્રેસ દ્વારા પણ ફ્લાઈઓવર બ્રિજનું કામ સત્વરે પૂર્ણ કરવા માટે ભૂતકાળમાં આંદોલનો પણ કરાયા હતા. ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાથી રોડ પર બન્ને સાઈડ ડાયવર્ઝન અપાયા છે. જે રસ્તો ખૂબ નાનો હોવાથી વારંવાર આ રસ્તા પર ટ્રાફિક જામના દ્રાશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ફ્લાઈય ઓવરબ્રિજનું કામ આગામી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાની મુદત છે. પણ હાલ બ્રિજનું કામ 50 ટકાથી વધુ બાકી છે. એટલે ફ્રેબ્રુઆરીમાં બ્રિજનું કામ પૂર્ણ થાય તેમ લાગતું નથી.
ભાવનગરથી અમદાવાદ અને રાજકોટ તરફ જતા મુખ્ય રોડ પર ટ્રાફિકની સમસ્યા નિવારવા ફ્લાય ઓવર બનાવવાની વર્ષોથી માગણી હતી. જે અનુસંધાને 17 મી ફેબ્રુઆરી 2018 ના રોજ મળેલી મ્યુનિ.ની સાધારણ સભામાં પણ ફ્લાય ઓવરના મુદ્દે જયદીપસિંહ ગોહિલે ડાયવર્ઝન માટે રોડ નક્કી કરવા, કામ શરૂ થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા નિવારવા, જમીન સંપાદન કરવા, સર્વિસ રોડ પરના દબાણો હટાવવા સહિતની બાબતો પર તંત્ર અને શાસકોનું ધ્યાન દોર્યું હતું. તત્કાલીન સમયે કોઈ મુશ્કેલી નહીં પડે એવું સત્તાધિશો દ્વારા આશ્વાસન અપાયું હતુ. પરંતુ હાલમાં મંદગતિએ ચાલતા ફ્લાય ઓવરના કામ અને અણઘડ આયોજનને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ફ્લાય ઓવરનું 30 મી જુલાઈ 2020 થી કામ શરૂ કરવામાં આવ્યું હતું. ટેન્ડરની રકમ કરતાં 35.49 ટકા વધુ રકમ મુજબ રૂ.115,59,12,285 મંજુર થયેલ છે.24 મહિનામાં કામ પૂર્ણ થવાની બાહેધરી આપેલી છે. મુદત પૂર્ણ થઈ ત્યારે કામ અધૂરું રહેતા આગામી ફેબ્રુઆરી 2024 સુધીની મુદ્દત લંબાવેલી છે. પરંતુ અગાઉની મુદત પૂર્ણ થયાને એક વર્ષ બાદ પણ હજુ પચાસ ટકા જેટલું જ કામ થયું છે. જેથી સત્વરે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.