બોટાદઃ અમદાવાદ-બોટાદ વચ્ચે મીટરગેજ રેલવે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાનું કામ મહિનાઓ પહેલા જ પૂર્ણ થઈ ગયું છે. હવે ઇન્સ્પેક્શન ની જે કોઈ બાકી કામગીરી છે તે ફેબ્રુઆરીમાં આટોપી લેવામાં આવશે અને ટૂંક સમયમાં ભાવનગર સાબરમતી વાયા બોટાદ ગાંધીગ્રામ ઇન્ટરસિટી ટ્રેન દોડાવવામાં આવશે. તેવું ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભાવનગર ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદ અમદાવાદ વચ્ચેનું ગેજ કન્વર્ઝન કામ પૂર્ણ થઇ ચૂક્યું છે. બોટાદ લોથલ ભુરખી વચ્ચે રેલવે સેફટીની કમિશનર દ્વારા ઇન્સ્પેક્શન પૂર્ણ કરી દેવામાં આવેલું છે. જ્યારે લોથલ ભુરખી સાબરમતી વચ્ચેનું ઇન્સ્પેક્શન કાર્ય ફેબ્રુઆરી માસ દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. તેથી આ નવી લાઈન પર ભાવનગર સાબરમતી વાયા બોટાદ ગાંધીગ્રામ દૈનિક ઇન્ટરસિટી ટ્રેન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર હરિદ્વાર ટ્રેન વાયા અજમેર નો પ્રસ્તાવ આઈ આર ટી ટી સી માં વર્ષ 2019 માં સ્વીકૃત કરવામાં આવેલો છે. હવે રેલવે બોર્ડ ની અંતિમ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ભાવનગર ગાંધીનગર ઇન્ટરસિટી ટ્રેન અગાઉ ચાલતી હતી પરંતુ હવે ભાવનગર સાબરમતી વાયા બોટાદ ટ્રેન ચલાવવાની યોજના છે. રેલવે હેડ ક્વાર્ટર ને આ અંગેનો વિગતવાર પ્રસ્તાવ મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ભાવનગર અને સુરત વચ્ચે દૈનિક ધોરણે ખૂબ જ સારો ટ્રાફિક હોવા ને ધ્યાનમાં રાખીને આ બન્ને શહેરો વચ્ચે ની દૈનિક ટ્રેન શરૂ કરવા માટે ની વર્ષો જૂની માગણી ફરી એક વખત બુલંદ બનાવવામાં આવી રહી છે. હાલ ભાવનગર પાલીતાણા વચ્ચે બે ટ્રેન ચાલી રહી છે અને ત્રીજી ટ્રેન દોડાવવા માટે મુસાફરોની ઉપલબ્ધી અંગે પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. DRUCCના સભ્યો દ્વારા કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી ભાવનગર ધાંગધ્રા ટ્રેન પણ પુનઃ શરૂ કરવા માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી રહી છે.(file photo)